ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે પણ પ્રચાર માટે કમરકસી લીધી છે. ગ્રાઉન્ડ લેવલ પર જઈ કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. થોડા સમય પહેલા કોંગ્રેસે પ્રચાર માટે પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી પણ ગુજરાત આવવાના છે.
10 નવેમ્બરના રોજ રાહુલ આવી શકે છે ગુજરાત
રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી નિકળેલી આ યાત્રા કાશ્મીર પહોંચવાની છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. પરંતુ ગુજરાતમાંથી આ યાત્રા નથી નીકળવાની. પરંતુ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હોવાને કારણે તેઓ ભારત જોડો યાત્રાની વચ્ચે ગુજરાતના પ્રવાસે આવવાના છે. મળતી માહિતી મુજબ તે 10 નવેમ્બરના રોજ વલસાડ ખાતે આવી જનસભાને સંબોધી શકે છે.
પ્રિયંકા ગાંધી પણ પ્રચાર માટે નથી આવ્યા ગુજરાત
ચૂંટણી નજીક આવી રહી છે પરંતુ ગાંધી પરિવાર આ ચૂંટણીથી દૂર રહેવા માગતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા નથી તો પ્રિયંકા ગાંધી આવ્યા નથી તો રાહુલ ગાંધી આવ્યા. બંને માંથી કોઈ નેતાએ ગુજરાતમાં રેલી નથી કરી. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત આવી રણનીતિ બનાવી શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અશોક ગેહલોત
ગુજરાતમાં પ્રચારની કમાન અશોક ગેહલોતે સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ફરી એક વખત તે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જનસભાને સંબોધવાના છે.