2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે ઉપરાંત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એક તરફ ચૂંટણી પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ રાહુલ ગાંધી એકાંતવાસ ભોગવવા માટે કેદારનાથ ધામ પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાબા કેદારનાથને શરણે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીના અનેક ફોટો તેમજ વીડિયો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ફોટાને શેર કરવામાં આવ્યા છે. પ્રસાદનું વિતરણ કરતા તેઓ દેખાઈ રહ્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાહુલ ગાંધી ચાની ચૂકસી લેતા જોવા મળે છે. ચા પીરસતા રાહુલ ગાંધી દેખાયા હતા.
સ્થાનિક લોકોની રાહુલ ગાંધીએ કરી મુલાકાત
બાબા કેદારનાથના દર્શનાર્થે લાખો લોકો આવે છે. લાખો ભક્તો ચારધામની યાત્રાએ ગયા હતા અને ભગવાન સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. અનેક બોલિવુડ એક્ટર તેમજ નેતાઓ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેદારનાથના શરણે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવ્યું હતું. હેલિપેડથી સામાન્ય માણસની જેમ તેમણે મુસાફરી કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક લોકોની સાથે પણ વાતચીત તેમ જ મુલાકાત કરી હતી.
લાઈનમાં ઉભા રહેલા લોકોને રાહુલ ગાંધીએ પિરસી ચા!
આ યાત્રાને લઈ કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની ધાર્મિક યાત્રા છે. રાહુલ ગાંધીની સાદગી જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા અનેક વીડિયો તેમજ ફોટો શેર કરવામાં આવ્યા છે. પ્રસાદનું વિતરણ કરતા તેઓ દેખાઈ રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ લાઈનમાં ઉભા રેહલા મુસાફરોને ચા વેચી રહ્યા છે. રાહુલ ગાંધી રવિવાર બપોરે કેદારનાથ પહોંચ્યા હતા. આ યાત્રા 3 દિવસ સુધી ચાલવાની છે. કેદારનાથ ધામમાં જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ યાત્રાને કોંગ્રેસે ગણાવી રાહુલ ગાંધીની અંગત યાત્રા
ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીની આ યાત્રાને લઈ રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થઈ રહી છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી રાજકીય નિવેદનો આપવાથી બચી રહ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને સંપૂર્ણ રીતે વ્યક્તિગત અને આધ્યાત્મિક મુલાકાત ગણાવવામાં આવી રહી છે, ઉત્તરાખંડ કોંગ્રેસ દ્વારા આ અંગે કોઈ ઔપચારિક રીતે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ કોંગ્રેસના અધિકારીએ કહ્યું કે આ રાહુલ ગાંધીની અંગત અને આધ્યાત્મિક યાત્રા છે અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ યાત્રાને રાહુલ ગાંધીની વ્યક્તિગત અને આધ્યાત્મિક યાત્રાનું સન્માન કરે.