અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને મળેલી હાર બાદ સોશિયલ મીડિયા પર પનોતી ટ્રેન્ડ થઈ રહ્યું હતું. સોશિયલ મીડિયા પર તો આ શબ્દ ટ્રેન્ડ થયો હતો પરંતુ આજે પનોતી શબ્દનો ઉપયોગ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે ચૂંટણી પ્રચાર માટે રાજસ્થાનના જાલોર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત તો સારું થાત, પરંતુ પનોતીએ હરાવી દીધા.
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની મેચનો કર્યો ઉલ્લેખ
રાજસ્થાનમાં થોડા દિવસો બાદ ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓ પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપના પ્રચારની કમાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિતના નેતાઑએ સંભાળી છે. પહેલા ચૂંટણી પ્રચારમાં માત્ર રાજનીતિને લઈ પ્રહારો કરવામાં આવતા હતા પરંતુ હવે તો મેચના ઉદાહરણો પણ ચૂંટણી પ્રચારમાં લાવવામાં આવી રહ્યા છે.
નિવેદનમાં રાહુલ ગાંધીએ કહ્યું...
જાલોર ખાતે પહોંચેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. જાહેર સભામાં તેમણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું કે, આપણા છોકરાઓએ વર્લ્ડ કપ જીત્યો હોત તો સારું થાત, પરંતુ પનોતીએ હરાવી દીધા. જાહેર સભામાં જ્યારે રાહુલ ગાંધી સંબોધી રહ્યા હતા તે વખતે સભામાં કેટલાક લોકોએ પનૌતીનો સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આના પર રાહુલ ગાંધીએ આવું નિવેદન આપ્યું હતું.