થોડા સમય પહેલા અદાણી ગ્રુપને લઈ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણી ગ્રુપની સંપત્તિનું ધોવાણ થયું હતું. ત્યારે અદાણી મામલે કોંગ્રેસ સહિત વિપક્ષ એકદમ આક્રામક રૂપમાં દેખાઈ હતી. હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંતુ અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવે છે. અદાણી મુદ્દે જેપીસી તપાસ થાય તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અદાણીને લઈ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે એક સવાલ પૂછ્યો છે કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?
અનેક વખત સંસદની કાર્યવાહી કરાઈ છે સ્થગિત
સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બીજા તબક્કાની કાર્યવાહી હોબાળાને કારણે છેલ્લા ઘણા દિવસોથી સ્થગિત કરવામાં આવી રહી છે. કારણ કે વિપક્ષ દ્વારા અદાણી મુદ્દે જેપીસી તપાસની માગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપ દ્વારા રાહુલ ગાંધી લંડનમાં અપાયેલા ભાષણને લઈ માફી માગે તેવી માગ કરવામાં આવી હતી. આ મામલે ભારે હોબાળો કરવામાં આવતા બંને સદનોની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે પૂછ્યો પ્રશ્ન
આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ અદાણીને લઈ નિવેદન આપ્યું છે. અદાણી અને પીએમ વચ્ચેના સંબંધોને લઈ રાહુલ ગાંધી દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા છે. બંનેના ફોટા એક સાથે બતાવ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા પૂછ્યું કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે?