રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. હાલ તેમની આ યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે. રાહુલે યાત્રા દરમિયાન વીર સાવરકરને લઈ નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુરૂવારે રાહુલ ગાંધીએ વીર સાવરકર પર નિશાન સાધતા કહ્યું કે વીર સાવરકરે પત્ર લખીને કહ્યું હતું કે સર, હું તમારો નોકર બનવા માગું છું.
રાહુલ ગાંધીએ પત્ર રજૂ કરી સાવરકર પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ વીર સાવરકર પર શાબ્દિક પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ એક પત્ર વાંચી દાવો કર્યો હતો કે સાવરકરે ડરના કારણે અંગ્રેજો પાસેથી માફી માગી, નહેરુએ અને પટેલે આવું ક્યારેય ન કર્યું. પત્ર દેખાડી રાહુલે પત્રની અંતિમ લાઈન વાંચતા કહ્યું કે સર, હું તમારો નોકર બનવા માગું છું. આ વિવાદ મંગળવારથી શરૂ થયો હતો જ્યારે રાહુલ ગાંધીએ સાવરકના જીવનને અને આદિવાસી નેતા બિરસા મુંડાની શહાદત સાથે સરખામણી કરી હતી.
ભાજપા અને RSS પર સાધ્યું નિશાન
સાવરકર પર ટિપ્પણી કરતા રાહુલે કહ્યું હતું કે ભાજપા અને આર.એસ.એસના આદર્શ છે તેમણે અંગ્રેજોને દયા માટે અરજી કરી હતી. રાહુલ ગાંધીએ વિવાદ વકર્તા પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમણે એક પત્ર એટલે કે સરકારી રેકોર્ડ રજૂ કરી દાવો કર્યો કે આ એજ પત્ર છે જેમાં વીર સાવરકરે અંગ્રેજોના સેવક બનવાની વાત કરી હતી. આ પત્ર પર સાવરકરના હસ્તાક્ષર પણ છે.
ભાજપે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
મહારાષ્ટ્રમાં આવા નિવેદનને કારણે મહારાષ્ટ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. શિવસેનાએ રાહુલ ગાંધીની વાતનું સમર્થન નથી કર્યું. એનસીપીએ પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા નથી આપી, પરંતુ આ નિવેદન પર ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ અને નાયબ મુખ્યમંત્રી ફડનવીસે આ નિવેદનને અયોગ્ય ગણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં વીર સાવરકર છે પૂજનીય
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના સાથી શિવસેના અને એનસીપીને માનવામાં આવે છે.રાહુલ ગાંધીના આવા નિવેદનને કારણે મહારાષ્ટ્રમાં ઉગ્ર વિરોધ થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રીયન શિવાજી મહારાજ, વીર સાવરકર તેમજ બાલ ગંગાધર તિલકને પૂજનીય માને છે. તેમના પર કરવામાં આવેલી ટિપ્પણીથી મહારાષ્ટ્રમાં વિવાદો સર્જાઈ શકે છે. વીર સાવરકરના પરિવારજનોએ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ પણ કર્યો છે.