થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી હતી. તે બાદ લોકસભા ચૂંટણી પહેલા મણિપુરથી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે.આ યાત્રાને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને આ યાત્રા ગુજરાતમાં પણ ફરવાની છે. 7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. આ યાત્રાને લઈ પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ શું રહેશે તે અંગેની જાણકારી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર હતા. યાત્રા ક્યાંથી ક્યાં જશે. ક્યાં રાત્રિ રોકાણ કરાશે, ક્યાં સભાનું આયોજન થશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી જાણકારી
7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રાને મહત્વની માનવામાં આવી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા નીકળી છે અને અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે. એક તરફ ગુજરાતમાં આ યાત્રા આવવાની છે તો બીજી તરફ કોંગ્રેસના ગઠબંધનમાં ફૂટ આવી રહી છે. એકબાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ યાત્રા અંગેની માહિતી આપવામાં આવી હતી.
કેવો હશે યાત્રાનો રૂટ?
રૂટની વાત કરીએ તો સાતમી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. બપોરે ત્રણ વાગ્યે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદમાં રાજસ્થાનના બાંસવાડાથી પ્રવેશ કરવાની છે. ઝાલોદમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે સાડાત્રણ વાગ્યે છે. ન્યાયયાત્રા ઝાલોદથી નીકળી લીંબડી ખાતે પહોંચશે. લીંમડી ખાતે રાહુલ ગાંધી રાત્રિરોકાણ કરશે. આઠ માર્ચે સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી સવારે 10 વાગ્યે લીમખેડા પહોંચશે. અલગ અલગ જગ્યાઓ પર આ યાત્રાનું સ્વાગત કરવા માટે કાર્યકરતાઓ તેમજ નેતાઓ હાજર રહેશે. મહત્વનું છે કે આ યાત્રા દરમિયાન અલગ અલગ મંદિરોમાં દર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
10 તારીખે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચશે મહારાષ્ટ્ર!
9 માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા બોડેલીથી નસવાડી પહોંચશે અને ત્યાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. નસવાડીથી રાજપીપળા પહોંચશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્શે. તે બાદ નેત્રંગ પહોંચશે અને ત્યાં અઢી કલાક કોર્નર બેઠક ચાલશે. માંડવી ખાતે 10 તારીખે સવારે યાત્રાનું આગમન થશે અને રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બારડોલી ખાતે પણ સ્વાગત કાર્યક્રમનું તેમજ કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે. વ્યારા ખાતે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે.આ યાત્રા 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. મહત્વનું છે કે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.