કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી બુધવારે કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળ ગુલમર્ગ પહોંચ્યા છે. પાર્ટીના સૂત્રોએ તેને રાહુલ ગાંધીની અંગત મુલાકાત ગણાવી છે. તેઓ ગુલમર્ગમાં સ્કીઇંગના પ્રસ્તાવિત કાર્યક્રમના ભાગરૂપે શ્રીનગર એરપોર્ટથી ગુલમર્ગ આવ્યા છે. આ દરમિયાન રાજકીય મુદ્દાઓ પર વાતચીત અને કેટલાક રાજકીય લોકો સાથે મુલાકાત પણ થઈ શકે છે.
ગુલમર્ગમાં સ્કીઇંગની મજા માણી
ગુલમર્ગમાં તેમણે બરફ પર સ્કીઇંગની મજા માણી હતી તેમજ પ્રખ્યાત ગોંડોલા કેબલ કાર પર સવારી કરી હતી. રાહુલ ગાંધી ફરી એક વખત તેમની ઓળખ સમી ટી-શર્ટમાં નજરે પડ્યા હતા. જ્યારે ગુલમર્ગમાં તેઓ બપોરે કાળા રંગનું જેકેટ પહેરીને સ્કીઇંગ કરતો જોવા મળ્યા હતો.
મિડિયાને મળવાનું ટાળ્યું
રાહુલ ગાંધી બુધવારે શ્રીનગર એરપોર્ટથી સીધા ગુલમર્ગ જવા રવાના થયા હતા. તેઓ તંગમર્ગમાં પણ થોડો સમય રોકાયા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરી નહોતી અને માત્ર દૂરથી જ પ્રણામ કર્યા હતા. તેઓ અહીંના સ્થાનિક લોકોને પણ મળ્યા હતા. તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી. રાહુલે પ્રવાસીઓ સાથે વાતચીત પણ કરી હતી.