સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયાસ રાહુલ ગાંધી ઘણા સમયથી કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યા છે. કોઈ વખત સ્ટૂડન્ટ સાથે વાતચીત કરતા દેખાય છે તો કોઈ વખત ટ્રકની મુસાફરી કરતા દેખાય છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીના કરોલ બાગના એક ગેરેજમાં પહોંચ્યા હતા અને ત્યાં મિકેનિક્સ સાથે કામ કરવા લાગ્યા હતા. મંગળવાર રાત્રે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટો શેર કર્યા હતા. જે ફોટો શેર કરવામાં આવ્યા છે તેમાં રાહુલ ગાંધી બાઈકને ઠીક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
લોકો સાથે જોડાવવાનો કરી રહ્યા છે પ્રયાસ
2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધી સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓને સમજવા સામાન્ય લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. લોકો સાથે વાતો કરી તેમની સાથે જોડાવાની તેમની કોશિશ છે. થોડા સમય પહેલા રાહુલ ગાંધી ટ્રકની મુસાફરી કરતા નજરે પડ્યા હતા. તે પહેલા પણ વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવા કેન્ટીન પહોંચ્યા હતા. ત્યારે હવે મેકેનિકની દુકાને પહોંચ્યા હતા. તેમણે મિકેનિકને બાઇક રિપેર કરતા જોયો ત્યારે તેમણે જાતે જ સ્ક્રુડ્રાઇવર ઉપાડ્યો અને બાઇક ઠીક કરવા લાગ્યા. આ પછી રાહુલ ગાંધી બીજી દુકાન પર પહોંચ્યા. ત્યાં મિકેનિકે રોયલ એનફિલ્ડ બાઇકના એન્જિનનો એક ભાગ ખોલી નાખ્યો હતો.
રાહુલ ગાંધીને જોવા ઉમટ્યા લોકો
જ્યારે મિકેનીકની દુકાને પહોચ્યા ત્યારે લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા. લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાહુલે લોકો સાથે હાથ મિલાવ્યો હતો અને તેમની ખબર અંતર પૂછ્યા હતા. સ્થાનિક વેપારીઓ સાથે તેમજ દુકાનદારો સાથે પણ વાતચીત કરી હતી અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસે પણ આ ફોટો શેર કર્યા છે.