રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. યાત્રાના દરમિયાન રાહુલ ગાંધીએ અનેક વખત ભાજપ પર અને તેની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. ત્યારે આજે ફરી એક વખત રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ભાજપ અને આર.એસ.એસનો આભાર માન્યો અને તેમને ગુરુ ગણાવ્યા હતા. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે કન્યાકુમારીથી દિલ્હી સુધી આવેલા આ યાત્રામાં મેં સરકાર વિરૂદ્ધ લોકોનો રોષ જોયો છે. તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે ભાજપ અમારા પર આક્રમક હુમલો કરે. જેનાથી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા દરેકને સમજવામાં મદદ મળશે.
ભાજપ અને આરએસએસને હું મારા ગુરુ માનું છું - રાહુલ
કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન આ યાત્રા અનેક રાજ્યોમાં ફરી હતી. હાલ આ યાત્રા દિલ્હી ખાતે છે. રાહુલ ગાંધીએ પોતાની યાત્રા દરમિયાન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અનેક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. અનેક વખત રાહુલ ગાંધીનું આક્રમક રૂપ જોવા મળ્યું છે. ત્યારે આજે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આરએસએસના લોકોનો આભાર માનું છું. કેમ કે તે મને હેરાન કરે છે તે બીજી રીતે મારી મદદ કરે છે. ભાજપ અને આરએસએસને હું મારા ગુરૂ માનું છું. કેમ કે તે મને ટ્રેનિંગ આપી રહ્યા છે.