મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને કારણે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. જે બાદ તેમની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિવેદનને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને સંભળાવવામાં આવેલી સજાને યથાવત રાખી હતી. ત્યારે આજે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. હાઈકોર્ટે આપેલા ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન
વર્ષ 2019માં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ નિવેદન આપ્યું હતું. કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણીપ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોનાં ઉપનામ 'મોદી' કેમ હોય છે ?' આ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટના દ્વાર રાહુલ ગાંધીએ ખખડાવ્યા
સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઉનાળા વેકેશનને કારણે હાઈકોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો ન હતો. પરંતુ આ મામલે 7 જુલાઈના રોજ ચૂકાદો સંભળાવ્યો હતો અને બે વર્ષની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. તેમની સજા યથાવત રહી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.