ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ પાર્ટીઓ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસે પણ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે. નવેમ્બરના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં તેઓ ગુજરાતનો પ્રવાસ કરી શકે છે.
ગુજરાતમાં આવી ગજવી શકે છે અનેક જનસભા
ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી કોંગ્રેસ ગામે ગામે જઈ પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં આવી પ્રચારની કમાન સંભાળી હતી તે ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં આવ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવી જનસભાને સંબોધી શકે છે. રાહુલ ગાંધી ચૂંટણી પહેલા ત્રણ દિવસ માટે ગુજરાત આવી શકે છે. તેમના આગમનને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે.
પ્રિયંકા ગાંધી પણ આવી શકે છે ગુજરાતના પ્રવાસે
રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. જેને કારણે તેમણે હજી સુધી ગુજરાતમાં ચૂંટણી લક્ષી કાર્યક્રમો નથી કર્યા. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાહુલ ગુજરાત આવી શકે છે તેવી વાત સામે આવી છે. ગુજરાત આવી અનેક જનસભાને સંબોધી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે.