ચૂંટણી બોન્ડને લઈ ગઈકાલથી ચર્ચાઓ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચૂંટણી બોન્ડ અંગેના આંકડા આપવામાં આવ્યા અને તે બાદ ચૂંટણી પંચ દ્વારા તે આંકડાને વેબસાઈટ પર મૂકવામાં આવ્યા. આંકડા તો વેબસાઈટ પર મૂકવામાં આવ્યા પરંતુ ફરી એક વખત સુપ્રીમ કોર્ટે એસબીઆઈની ઝાટકણી કાઢી હતી કારણ કે ચૂંટણી પંચને આપવામાં આવેલા ડેટામાં બોન્ડ નંબર ના હતા. જેને કારણે એ જાણી શકાતું નથી કે કોણે કોને ફંડ આપ્યું.. ઈલેક્ટોરલ બોન્ડને લઈ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. ભાજપ સરકાર પર તેમજ ઈડી, સીબીઆઈ પર પ્રહાર કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને લઈ એસબીઆઈની કાઢી ઝાટકણી
લોકસભા ચૂંટણીને લઈ એક તરફ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યા છે. ચૂંટણી બોન્ડનો ડેટા ગઈકાલથી ચર્ચામાં છે. કઈ કંપનીએ કેટલા કરોડના બોન્ડ ખરીદ્યા, કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એસબીઆઈની અનેક વખત સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડના નામ પર હફ્તા વસૂલી સરકારે દુનિયાનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કર્યું છે. ઈડી, આઈટી, સીબીઆઈ જેવી તપાસ એજન્સી નરેન્દ્ર મોદીની વસૂલી એજન્ટ બની કામ કરી રહી છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર અને આપી આ ગેરંટી!
પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ ભાજપ પર તેમજ સીબીઆઈ, ઈડી જેવી એજન્સી પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ સરકાર બદલ્યા બાદ ચૂંટણી બોન્ડ કેસમાં કાર્યવાહીની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે 'ઈલેક્ટોરલ બોન્ડ સ્કેમ' સાથે જોડાયેલા લોકોએ વિચારવું જોઈએ કે કોઈ દિવસ ભાજપની સરકાર બદલાશે અને પછી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે જેમણે સરકારી તંત્રને સંગઠિત ભ્રષ્ટાચારમાં સંપૂર્ણપણે ડુબાડી દીધું છે.