ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ હવે ખડગેએ જાહેરાત કરી છે કે ગુજરાતને ટૂંક સમયમાં નવા પ્રભારી મળશે. ખડગેએ વધુમાં જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ નવા પ્રભારીનું નામ જાહેર કરાશે. રઘુ શર્માએ 8 ડિસેમ્બરે મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો કે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે. હારની સંપૂર્ણ નૈતિક જવાબદારી હું લઉં છું અને ગુજરાત પ્રભારી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. વધુમાં રઘુ શર્માએ પત્રમાં લખ્યું હતું કે, ખડગેજી આપને પ્રાર્થના છે કે ગુજરાત પ્રભારી પદેથી મારુ રાજીનામું સ્વીકારશો.
હાલ એવા સમાચારો મળી રહ્યા છે કે નવા પ્રભારી રામ કિશન ઓઝા બની શકે છે. રામ કિશન ઓઝા હાલ સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રભારી છે.
રઘુ શર્માના રાજીનામામાં હતું રાજકારણ?
ફરી પાછા રઘુ શર્માના રાજીનામા પર આવી જઈએ. પહેલા રઘુ શર્માના રાજીનામાનો સ્વીકાર નહોતો કરવામાં આવ્યો. આ રાજીનામાને સામાન્ય ઘટના કહેવામાં આવી રહી હતી જો કે અમુક લોકો એવું પણ કહી રહ્યા હતા કે આ રાજીનામામાં રાજકારણ છુપાયેલું છે. રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે આ રાજીનામાના કારણે પૂર્વ કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીની મુશ્કીલો વધશે. આ એજ હરીશ ચૌધરી છે જેના કારણે રઘુ શર્માને મંત્રી પદ છોડવું પડ્યું હતું. જો રઘુ શર્મા રાજીનામુ આપે તો પંજાબના પ્રભારી હરીશ ચૌધરીને પણ રાજીનામું આપવું પડે. કારણ કે કોંગ્રેસની પંજાબમાં કારમી હાર બાદ હરીશ ચૌધરીએ રાજીનામું નથી આપ્યું.
કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ પાર કરશે?
જો કે રઘુ શર્મા અને હરીશ ચૌધરીની આંતરીક કલેહનું શું થશે તે ખબર નથી પણ ગુજરાતમાં કોંગ્રેસની ડૂબતી નૈયા કોણ બચાવશે તે જોવાનું રહેશે. મલ્લિકાર્જુન ખડગેના કહ્યા મુજબ ટૂંક સમયમાં નવા પ્રભારીની જાહેરાત થઈ જવાની છે. કારણ કે ટૂંક સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે. અને આ જ યાત્રા મારફતે હવે કોંગ્રેસ હવે ગુજરાતની જનતા સાથે સંપર્ક કરશે. કારણ કે ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે.