Story- સમીર પરમાર.
ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ મેદાને આવી આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા હતા. નવસારીના જલાલપોરથી પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પત્રકાર પરિષદ કરી હતી જેમાં તેમણે વિવાદિત નિવેદન આપતા આમ આદમી પાર્ટી અને રઘુ શર્મા વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું હતું.
વરસાદ પડે ત્યારે દેડકા તો આવેઃ કોંગ્રેસ પ્રભારીનો AAP પર સાંકેતિક પ્રહાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા નવસારીના જમાલપોરમાં પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. નવસારીમાં વિવાદિત જગ્યા તોડી પાડવા બાબતે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આમ આદમી પાર્ટીનું નામ લીધા બાદ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું હતું કે વરસાદ પડે ત્યારે દેડકા આવતા હોય છે. વરસાદી ઋતુ પૂર્ણ થયા બાદ દેડકા જતા રહે છે. રઘુ શર્માએ ઉમેર્યું હતું કે, મને ગુજરાતની રાજનીતિનો ઘણો અનુભવ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ વિધાનસભા ચૂંટણીમાં હરીફાઈ થશે.
ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ વિવાદીત નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "રઘુ શર્માને આંખોની સારવાર કરવી જોઈએ. જે કોંગ્રેસના નેતા રઘુ શર્માને જાણકારી આપતા હોય છે તેમને મેદાને ઉતરશે તો તેમને ખ્યાલ આવશે કે આમ આદમી પાર્ટી લોકોના દિલ સુધી પહોંચી ગઈ છે."