આમ આદમી પાર્ટીના ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગાંધી જયંતી નિમિતે 'ગુજરાત પરિવર્તન સત્યાગ્રહ'ની શરૂઆત કરાવી. સાંસદ રાઘવ ચઢ્ઢા બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે દાંડી પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સુરતમાં તેમની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા.
ગુજરાતને ભાજપના અહંકારી શાસનથી મુક્ત કરાવશું: ચઢ્ઢા
દાંડી પહોંચી રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે ગાંધીજીએ સત્યાગ્રહના માર્ગે ચાલીને દેશના લોકોને અંગ્રેજો સામે બળવો કરવા માટેની શક્તિ આપી હતી. તેવી જ રીતે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહથી ગુજરાતની જનતાને 27 વર્ષના ભાજપના અહંકારી શાસનમાંથી મુક્તિ અપાવીશું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાઘવ ચઢ્ઢાને ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી બનાવ્યા છે ત્યારે તેઓ બે દિવસથી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી આપનો માહોલ ઉભો કરવા અને સ્થાનિક લોકોને આમ આદમી પાર્ટીમાં જોડવા સહિતના કામોનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ ચૂંટણીમાં ત્રણેય પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ હશે પરંતુ કોને કેટલી સીટ મળશે તેનું અસલી ચિત્ર તો પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.
બાપુની દાંડી યાત્રા વિશે આપણે આ વાત તો જાણવી જ જોઈએ
અંગ્રેજો સામે લડતને વેગ આપવા માટે બાપુએ સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવી હતી. 12 માર્ચથી 6 એપ્રિલ સુધીની 24 દિવસની યાત્રામાં બાપુએ અમદાવાદથી દાંડી સુધી પહોંચી અંગ્રેજ સરકાર સામે અહિંસક વિરોધનું અભિયાન ચલાવી મીઠા પરના કરના કાયદાને નાબૂદ કરાવ્યો હતો.