ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થવાને લઈ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ અને ચૂંટણી વિષ્લેષકો પણ આ મુદ્દે તેમના વિચારો રજૂ કરી રહ્યા છે. ઓછા મતદાનના કારણો અંગે છણાવટ કરવામાં આવી રહી છે. જો કે ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઓછા મતદાનને લઈ કાંઈ અલગ જ તર્ક રજૂ કર્યો છે.
પરષોત્તમ રૂપાલાએ શું કહ્યું?
પરષોત્તમ રૂપાલાએ ભાજપના ઉમેદવાર જ્યંતી રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે મુલાકાતમાં તેમણે ઓછા મતદાન અંગે જણાવ્યું હતું કે બે કારણોથી મતદાન ઓછું થયું છે. એક તો લગ્નગાળો હોવાથી લોકો ઓછા મતદાન કરવા માટે નિકળ્યા હતા જ્યારે બીજુ કે આ વખતે એક તરફી એટલે ભાજપ તરફી વાતાવરણ હોવાના કારણે મતદાન ઓછું થયું છે. તેમણે એવો પણ તર્ક લગાવ્યો હતો કે બે ઉમેદવારો વચ્ચે ચર્ચા અને રસાકસી હોય તો વધુ મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે માત્ર ભાજપ તરફી જ માહોલ છે તેના કારણે મતદાન ઓછું થયું છે.