ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના નેતા અમૃતપાલની ધરપકડ કરવા માટે પોલીસના પ્રયાસો હજુ ચાલુ જ છે. 11 દિવસ વીતી જવા છતાં પંજાબ પોલીસ તેને પકડી શકી નથી. આ દરમિયાન પંજાબની ભગવંત માન સરકારે આ મામલામાં સામેલ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. સરકારે આ કેસ સાથે સંબંધિત 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અધિકારીઓની બદલી કરીને રાજ્ય સરકાર મોટા સંકેત આપવા માગે છે.
આ અધિકારીઓની બદલી થઈ
સરકારે જે 6 અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા તેમાં જાલંધરના ડીસીપી વત્સલ ગુપ્તા, એસએસપી જાલંધર સ્વર્ણદીપ સિંહ, તે ઉપરાંત એસપી જાલંધર ગ્રામીણ મંજીત કૌર,એડીસીપી જાલંધર જગજીત સિંહ સરોયા, એસપી ઈન્વેસ્ટિગેશન સર્બજીત સિંહ જાલંધર ગ્રામીણ, ડીસીપી ઈન્વેસ્ટિગેશન જસકિરનજીત સિંહ તેજાની બદલી કરવામાં આવી છે. તે સિવાય એસપી હોંશિયાર પુર મનપ્રિત સિંહ અને જોઈન્ટ એસપી લો એન્ડ ઓર્ડર લુધિયાણા રાવ ચરણ સિંહ બરાડની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે.