પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ મહારાષ્ટ્રના આગામી રાજ્યપાલ બની શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહ મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની જગ્યા લઈ શકે છે. કેપ્ટન થોડા સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલિનીકરણ પણ કરી દીધું હતું.
ભગત સિંહ કોશ્યારી આપશે રાજીનામું
આ પહેલા રાજ્યના વર્તમાન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભગત સિંહ કોશ્યરી વર્ષ 2019માં મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા. આ પદ પર તેમનો અત્યાર સુધીનો કાર્યકાળ ઘણા વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. વિરોધ પક્ષોએ તેમના પર મહારાષ્ટ્રનું અપમાન કરવાનો અને ઈતિહાસને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો હતો. અહીં, કેપ્ટન અમરિંદર સિંહને તાજેતરમાં ભાજપની 83 સભ્યોની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા હતા.