આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.
કહ્યું કાંઇને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
ચોટદાર ચાબખા માટે જાણીતા અખાનો આ છપ્પો ગુજરાત સરકારને બરાબર લાગુ પડે છે. પોતાના છબરડા માટે જાણીતી સરકારે વધુ એક ભાંગરો વાટ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અધિકારીઓની બદલી થવાની શરૂ થઈ ચૂકી છે. રાજ્યના ગૃહ વિભાગે 5 મહિના પહેલા મૃત્યુ પામેલા PSIની બદલીના આદેશ આપ્યા છે.
મૃતક PSIની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતની અંદર 99 જેટલા PSIની બદલી કરવામાં આવી છે. જેમાં મૃતક PSI ગોપાલ રાઠવાની છોટાઉદેપુરથી મહિસાગરમાં બદલી કરવામાં આવી છે. જેને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોપાલભાઈ રાઠવા છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર બિન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. PSI ગોપાલભાઈ ભલીયાનું પાંચ માસ પહેલા જ મૃત્યું થયું છે. ગોપાલભાઈ રાઠવાના ટ્રાન્સફર ઓર્ડરની તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે.
PSI ગોપાલભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું
છોટાઉદેપુર હેડક્વાર્ટરની અંદર ગોપાલભાઈ રાઠવા બીન વેપન પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા હતા. અને તેનું મૂળ તેનું વતન પાવીજયપુર તાલુકાના વડેસીયા ગામ છે. ત્યાં 99 જેટલા હથિયારધારી પીએસઆઈના ટ્રાન્સફરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં ગોપાલભાઈ રાઠવાનું નામ 88માં નંબરે છે. તેમની છોટાઉદેપુરથી મહીસાગરમાં ટ્રાન્સફર થઈ થઈ છે પરંતુ એપ્રિલ મહિનામાં જ તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે.
છબરડો કઈ રીતે સામે આવ્યો?
ગોપાલભાઈ રાઠવાના પુત્ર સંદીપે જણાવ્યું કે, અમને ખૂબ જ દુખ અને આશ્ચર્ય છે કે મારા પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને જરૂરી ડોક્યુમેન્ટ 5 મહિના પહેલા આપવામાં આવ્યા છે. પરંતુ તેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. સંદીપે જણાવ્યું કે મારા પિતા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેઓ ઘાયલ થયા હતા અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું હતું અને છેક સુધી તેઓ છોટાઉદેપુરમાં નોકરી કરતા હતા અને તે દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.