થોડા સમય પહેલા વિધાનસભામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં પોલીસ ભરતીને લઈ જાહેરાત કરવામાં આવશે. ત્યારે ગઈકાલે પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. આગામી સમયમાં પોલીસ વિભાગમાં 12 હજાર જગ્યાઓ માટે ભરતી થવાની છે. 12 હજાર જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જાહેરાત અનુસાર આવનાર સમયમાં 597 PSIની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરવાની જાહેરાત કરી છે.
ભરતીના નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર!
ના માત્ર કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે પરંતુ પરીક્ષાની પદ્ધતિમાં પણ અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા એલઆરડીની ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા હતા ત્યારે હવે પીએસઆઈની ભરતીના નિયમોમાં પણ મોટા પ્રમાણમાં ફેરબદલ કરવામાં આવ્યા છે. પહેલા પોલીસમાં ભરતી કરવા ઈચ્છુક ઉમેદવારોના વજન પર પણ ધ્યાન આપવામાં આવતું પરંતુ હવે આ નિયમને રદ્દ કરવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર. હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે.
યુવરાજસિંહે આ જાહેરાતને લઈ આપી પ્રતિક્રિયા!
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પરીક્ષા માટે વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ ઘણી લાંબી પ્રતિક્ષા બાદ ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી છે. આરઆર જાહેર કરવામાં આવ્યા છે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉમેદવારો માનતા હતા કે ફિઝિકલ ગ્રાઉન્ડ આ શિયાળામાં લેવાઈ જશે. પરંતુ શિયાળાના અંત સુધીમાં તો માત્ર આરઆર બહાર પાડવામાં આવ્યા છે. આખી પ્રક્રિયાને પૂર્ણ થતા વાર લાગશે અને ફરી એક વખત ઉમેદવારોએ પ્રતીક્ષા કરવી પડશે. તારીખોને લઈ ઉમેદવારોને દ્વિધા છે. હજી તો આરઆર આવ્યા છે ઈઆર નથી આવ્યા. એક્ઝામિનેશન રૂલ્સ બહાર નથી પાડવામાં આવ્યા.
ચૂંટણી પહેલા કરવામાં આવી ભરતીની જાહેરાત!
મહત્વનું છે કે ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ફરી એક વખત ચૂંટણી પહેલા યુવાનોને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ ચૂંટણી પહેલા આંદોલન ના છેડે અને પરિસ્થિતિ વણસી ના જાય તે માટે યુવાનોને વ્યસ્ત રાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે ચૂંટણી પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થાય તે માટે સુરક્ષાબળોની મદદ લેતા હોઈએ છીએ. ગુજરાતમાં ઈલેક્શન પૂર્ણ નથી થતું ત્યાં સુધી આની સંભાવના ઘણી ઓછી દેખાઈ રહી છે. ત્યારે જોવું રહ્યું કે ક્યારે ભરતી કરવામાં આવે છે?