પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે જેને અનુલક્ષીને તમામ પાર્ટીના શીર્ષ નેતાઓ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. સુરતમાં પ્રધાનમંત્રી મોદી હતા તે દરમિયાન સુરતમાં જ લોકો પોતાની વિવિધ માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.
સુરતમાં કોંગ્રેસે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો
સુંરત કોંગ્રેસના લોકોએ પ્રધાનમંત્રી મોદીની મુલાકાત દરમિયાન કાળા કપડા પહેરી અને ફુગ્ગા લઈને વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓનો વિરોધ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત મુલાકાતે છે ત્યારે મુલાકાત માટે સુરત મહાનગરપાલિકાએ 12 કરોડ રૂપિયાનો ધૂમાડો કર્યો છે. કોંગ્રેસના લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા તે દરમિયાન તેમના 12 મહિલા કાર્યકર્તાઓની સુરત પોલીસે અટકાયત કરી હતી. કોઈ રોષનો સૂર ના રેડાય તેના માટે સુરત પોલીસે અન્ય બહેનોને રસ્તા પર જ રોકી દીધા હતા.
સિવિલ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓનો વિરોધ
સુરત શહેરના સિવિલ કોન્ટ્રાક્ટના 900 જેટલા કર્મચારીઓએ આજે વિવિધ માગણીઓ સાથે હડતાળ કરી વિરોધ નોંધાવ્યો હતો. સ્વાભાવિક છે પ્રધાનમંત્રી મોદી જ્યારે સુરત મુલાકાતે હોય ત્યારે સુરતનો માહોલ શાંત બનાવી રાખવો પડે. તે પછી રાજકીય રીતે હોય કે સુરક્ષાની દ્રષ્ટિએ હોય. ગઈકાલથી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે પણ તેમનો વિરોધ યથાવત છે. તેમની માગણી છે કે જ્યાં સુધી તેમની વાતો સ્વીકારી લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.