ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે ભાજપના વિચરતી અને વિમુક્ત જાતિના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાની માગ માટે ભાજપનો ખેસ રોડ પર ઉતારી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિચરતી જાતિના લોકોએ પોતાનો ખેસ ઉતારી રોડ પર ખેસનો ઢગલો કર્યો હતો.
ભાજપે અમને ખેસ ઉતારવા માટે મજબૂર કર્યાઃ વિચરતી જાતિ
અખિલ ભારતીય આદિ મહાસંઘે કમલમ ખાતે પોતાનો કેસરિયો ખેસ ઉતારી વિરોધ નોંધાવ્યો હતો. મહાસંઘના પ્રમુખ રુપસંઘભાઈનું કહેવું છે કે ભાજપે તેમની માગણી ન સ્વીકારી વિચરતી જાતિના લોકો સાથે અન્યાય કર્યો છે. ભાજપે 2017માં વિચરતી જાતિના લોકોની માગણી સ્વીકારવાનો વાયદો કર્યો હતો પરંતુ હજુ સુધી કોઈ માગ નહીં સ્વીકારતા વિરોધ નોંઘાવ્યો હતો.
કઈ માગણીના કારણે વિરોધ નોંધાવ્યો?
વિચરતી અને વિમુક્ત જાતિને અન્ય રાજ્યોમાં એસસી અને એસટી કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ગુજરાતમાં તેમને અન્ય પછાત વર્ગ એટલે કે બક્ષીપંચમાં ગણવામાં આવે છે. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાં ગણવા છતાં પણ તેમના સમાજને હજુ સુધી લાભ મળ્યો નથી. અખિલ ભારતીય આદિ મહાસંઘની માગણી છે કે ઓબીસીમાંથી 11 ટકા તેમને આરક્ષણ આપવામાં આવે. ગત 20 વર્ષથી તમામ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ તેમની માગણી સ્વિકારવામાં નથી આવી.
વિચરતી અને વિમુક્ત જાતિના લોકોની ગુજરાત સરકારને ચીમકી
અખિલ ભારતીય આદિ મહાસંઘના પ્રમુખ રૂપસંઘે જણાવ્યું હતું કે બે દિવસની અંદર સમાજના વડીલો સાથે મળીને વિચરતી અને વિમુક્ત જાતિ નિર્ણય લેશે. જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કેસરિયો ખેસ ધારણ નહીં કરીએ.