ગુજરાત સરકારની કરાર આધારિત ભરતીનો સરકારને તો ફાયદો છે પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમારા ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પહેલા ગાંધીનગરમાં અધિકારીઓ અને મંત્રીઓને રજૂઆત કરવા ગયા પણ ત્યાં તેમની વાત કોઈએ ન સાંભળી. પછી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ભેગા થઈ અનેકવાર વિરોધ કર્યો પણ તેમને પોલીસના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા અને આંદોલન પણ કામ ન લાગ્યું. વિદ્યાર્થીઓ નિરાશ ન થયા અને હનુમાનજીને પત્ર લખ્યો કારણ કે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મનો મુદ્દો ત્યારે ગરમાયેલો હતો. વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં ન આવી તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં તેમણે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને મહાદેવને પત્ર લખ્યા પણ CM, PM અને મહાદેવે પણ વિદ્યાર્થીઓની વાત ન સાંભળી. પછી વિદ્યાર્થીઓ સંતોના શરણે ગયા, સંતોએ તેમની વાત સાંભળી પણ સંતોના અવાજની કોઈ અસર ન થઈ. છતાં પણ વિદ્યાર્થી હિંમત ન હાર્યા અને હવે કોરોનાના સમયની જેમ થાળી અને તાળી વગાડીને વિરોધ નોંધાવી રહ્યા છે.
ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નવી યોજના બનાવી છે. હવે તે તાળી અને થાળી વગાડીને વિરોધ નોંધાવાની યોજના ઘડવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાએ વીડિયો વહેતો કરીને જાહેરાત કરી છે કે હવે નવી રીતે વિરોધ કરીશું. ગુજરાતના ખૂણે ખૂણે જઈને થાળી વગાડી અને તાળી વગાડીને વિરોધ કરી અને સરકારને ભાવિ શિક્ષકોની વાત પહોંચાડીશું એવી હાકલ યુવરાજસિંહ જાડેજાએ સરકારને કરી છે.
ગુજરાતમાં અનેક જગ્યા પર થાળી અને તાળી વગાડીને વિરોધ કરવામાં આવી રહ્યો છે એવામાં વાંસદામાં અનંત પટેલની આગેવાનીમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધી શિક્ષકોએ નારે બાજી કરી હતી. "ટેટ ટાટને ન્યાય આપો" "કરાર એ અમારા ભવિષ્યનો મજાક છે" "ન્યાય આપો ન્યાય આપો" "શિક્ષકોની કાયમી ભરતી કરો" "જ્ઞાન સહાયક રદ કરો" જેવા પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ અનંત પટેલ સાથે તાળી પાડીને અને થાળી વગાડીને વિરોધ કર્યો હતો.
સુરતના માંડવીમાં સરકાર સામે રોષ વ્યક્ત કરવા ભાવી શિક્ષકોએ નારેબાજી સાથે રેલી કાઢી હતી.
પંચમહાલમાં પણ થાળી વગાડીને સરકારની યોજનાનો વિરોધ કરાયો હતો.
બનાસકાંઠાના થરાદની રાજેશ્વર આદર્શ વિદ્યાલય ખાતે હાથમાં પત્રકો લઈને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓ સરકારને મનાવવા પ્રયાસો કરી રહી છે ટીવી ડિબેટ કરી રહ્યા છે, તર્કો કરી રહ્યા છે સવાલો કરી રહ્યા છે. ઓનલાઈન યુદ્ધ કરી રહ્યા છે, જમીન પર પણ ઉતરી રહ્યા છે પરંતુ તે સરકાર અવાજ સાંભળી નથી રહી. જેની પાછળ સરકારના અને સરકારી અધિકારીઓના પણ અનેક તર્કો છે જેમની જગ્યાએ એ સાચા હોય શકે. હવે આગળ વિદ્યાર્થીઓ ક્યાં સુધી આ લડત ચાલુ રાખશે એ જોવાનું રહેશે.