ગુજરાત માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી તે પહેલા હિમાચલ પ્રદેશ માટે વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં મતદાન 12 નવેમ્બરના રોજ પૂર્ણ થયું હતું. 8 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું મતદાન આવવાનું છે. ત્યારે કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરાને લઈ એક નિર્ણય લીધો છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગેનો નિર્ણય પ્રિયંકા ગાંધી લેશે. પ્રિયંકા ગાંધી જે નામની રજૂઆત કરશે તે અંગે કમિટી નિર્ણય લેશે.
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી
12 નવેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી. 68 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં 65.92 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા દરેક પાર્ટીએ અનેક રોડ શો તેમજ જનસભા આયોજી હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી હિમાચલ પ્રદેશમાં પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી હતી. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત અને હિમાચલ પ્રદેશનું ચૂંટણીનું પરિણામ આવવાનું છે.
મુખ્યમંત્રી અંગે પ્રિયંકા ગાંધી સબ્મિટ કરશે રિપોર્ટ
પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશની રાજનીતિથી પરિચીત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી શીમલા ખાતે રહ્યા હતા. કોંગ્રેસનો પ્રચાર કરવાની જવાબદારી પાર્ટીએ તેમને સોંપી હતી. ત્યારે પાર્ટીએ વધુ એક જવાબદારી પ્રિયંકા ગાંધીને આપી છે. જો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત થશે તો કોંગ્રેસ કોને પોતાના મુખ્યમંત્રી બનાવશે તે પ્રિયંકા ગાંધી નક્કી કરશે.