ખાનગી એરસાઈન્સ કંપનીઓ વિવિધ પ્રકારે યાત્રિકોની લૂંટ ચલાવે છે, સાંસદોની બનેલી એક સંસદીય સમિતિએ પણ એરલાઈન્સ કંપનીઓની આ ઉઘાડી લૂંટનો સ્વીકાર કર્યો છે અને સરકારને તેમની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.
કંપનીઓ આપે છે ખોટી જાણકારી
સાંસદોની બનેલી સંસદીય સમિતિએ તેની રિપોર્ટમાં કહ્યું છે કે ખાનગી એરલાઈન્સ કંપનીઓ તેમની વેબસાઈટમાં વિમાનમાં ઉપલબ્ધ સીટો અને ટિકિટના ભાડા અંગે ખોટી જાણકારી આપી લોકોને ગેરમાર્ગે દોરે છે, અને વધુ ભાડૂં ચૂકવવા માટે મજબુર કરી રહી છે. સમિતિની રિપોર્ટ મુજબ 6 માર્ચે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા અનુદાનની માગને લઈને સોંપવામાં આવેલી રિપોર્ટમાં સંસદીય સમિતિએ ડોમિસ્ટિક એરલાઈન્સ દ્વારા વસૂલવામાં આવેલા ઉંચા ભાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમિતિએ કહ્યું કે ખાનગી એરલાઈન્સ તેમની વેબસાઈટ પર ફ્લાઈટમાં બચેલી સીટોની સંખ્યા અને ટિકિટોની કિંમતો અંગે ખોટી જાણકારી પ્રકાશિત કરે છે.
ગાઈડલાઈન્સ તૈયાર કરવાની માંગ કરી
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ખોટી માહિતીના સ્તરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે છેલ્લી ટિકિટ વેચાઈ ગયા પછી પણ, વેબસાઈટ એટલી જ સીટો બતાવી રહી છે જેટલી ટિકિટના વેચાણ પહેલા જાહેર કરવામાં આવી હતી." આ દર્શાવે છે કે એરલાઇન ઓપરેટરો લોકોને ગેરમાર્ગે દોરે છે અને મુસાફરોને વધુ પૈસા ચૂકવવા મજબુર કરે છે.
તેથી, સમિતિએ ભલામણ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ ભાડાને તર્કસંગત બનાવવા માટે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરે અને એરલાઈન્સ માટે તેમની વેબસાઈટ પર સાચી માહિતી પ્રકાશિત કરવાનું ફરજિયાત બનાવે.