ભારતના સ્ટાર ક્રિકેટર પૃથ્વી શો વિવાદમાં ફસાયો છે. મીડીયા રિપોર્ટસ મુજબ મુંબઈમાં તેના પર હુમલો થયો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા પ્રમાણે સેલ્ફીનો ઈન્કાર કરવાના કારણે કેટલાક ચાહકો ગુસ્સે થયા અને પૃથ્વીના મિત્રની કાર પર હુમલો કર્યો હતો. આ ઘટના બુધવાર સાંજે બની હતી. પોલીસે આ ઘટના બાદ 8 લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસની સપના ગીલ સહિત 8 લોકો સામે કાર્યવાહી
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પૃથ્વી શૉ અને તેના દોસ્તો પર થયેલા હુમલા બાદ હવે પોલીસે સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યૂએન્જર સપના ગીલની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર, ઓશિવારા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી, આ પછી પોલીસે એક્શન લેતા તેની ધરપકડ કરી લીધી છે. પૃથ્વી શૉની સાથે સેલ્ફી લેવાની વાતને લઇને વિવાદ એટલો વધી ગયો હતો કે, મામલો ઝપાઝપી પર આવી ગયો હતો. આરોપ છે કે, સપના ગીલ અને તેના સાથીઓએ પૃથ્વી શૉ પર એટેક કર્યો હતો.
સમગ્ર મામલો શું હતો?
મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવાને લઈને હંગામો થયો હતો. એક રિપોર્ટ અનુસાર, પૃથ્વી શૉ પોતાના મિત્રો સાથે મુંબઈની સહારા સ્ટાર હોટલની મેન્શન ક્લબમાં ગયો હતો. તે દરમિયાન આરોપીઓ સપના ગિલ અને શોબિત ઠાકુરે પૃથ્વીને સેલ્ફી માટે વિનંતી કરી હતી અને એક વખત સેલ્ફી લીધા બાદ આરોપીએ ફરીથી સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પૃથ્વી શૉએ ના પાડી હતી. બાદમા વિવાદ વધતા હોટલના મેનેજરે બંન્ને આરોપીઓને હોટલની બહાર કાઢી મુક્યા હતા. ગુસ્સે થયેલા આરોપીઓએ કારનો પીછો કર્યો હતો અને કાર જોગેશ્વરી લિંક રોડ લોટસ પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે તેને રોકી હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ પછી આરોપીઓએ બેઝ બોલ બેટથી વાહનના કાચ તોડી નાખ્યા. સદનસીબે તે સમયે પૃથ્વી કારમાં નહોતો. તે હોટલથી બીજી કારમાં ઘરે જવા નીકળ્યો હતો, કાર પર હુમલો થયો ત્યારે પૃથ્વીનો મિત્ર તે કારમાં હાજર હતો. આ કેસમાં ફરિયાદી એક બિઝનેસમેન છે અને ક્રિકેટર પૃથ્વીનો મિત્ર પણ છે.
હુમલાખોરોએ આપી ધમકી
આરોપીઓએ કાર પર હુમલો કર્યા બાદ પૃથ્વીના મિત્રને ધમકી આપી હતી કે જો મામલો દબાવવો હોય તો 50 હજાર રૂપિયા આપી દે, નહીંતર તેને ખોટા કેસમાં ફસાવી દેશે. આ અકસ્માત બાદ પૃથ્વીનો મિત્ર તૂટેલી કારના કાચ લઈને ઓશિવરા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને તેની ફરિયાદના આધારે પોલીસે સના ગિલ અને શોબિત ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એક અધિકારીએ કહ્યું હતું કે પોલીસે IPCની કલમ 384,143, 148,149, 427,504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે.