ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જ્યારે આઠમી ડિસેમ્બરના રોજ મતગણતરી થવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે.
પીએમ અનેક જનસભાઓમાં કરશે ગર્જના
ચૂંટણીની તારીખ જાહેર થઈ તે બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા તેઓ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવે છે. ભાજપના તેઓ સ્ટાર પ્રચારક ગણાય છે. તેમના ચહેરાથી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે. ગુજરાતના પ્રવાસે આવી ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં હાજરી આપવાના છે. સમૂહ લગ્નમાં હાજરી આપ્યા બાદ તેઓ સુરેન્દ્રનગર તેમજ વલસાડમાં જનસભા સંબોધવાના છે.
પ્રવાસમાં માત્ર કરી શકશે પ્રચાર
ગુજરાતમાં ભાજપ પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદીએ સ્વયં પ્રચારની કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી નજીક આવતા તેમના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. અનેક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવી ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. પોતાના પ્રચાર દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને તેઓ ગણાવે છે. ગુજરાતમાં આચાર સંહિતા લાગુ થતા તેઓ ગુજરાતને વિકાસ કાર્યોની ભેટ નહીં આપી શકે. આ વખતે તેઓ માત્ર પ્રચાર જ કરી શકશે.
આપ અને કોંગ્રેસ પણ કરી રહી છે પ્રચાર
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે જ્યારે કોંગ્રેસ પણ પોતાનો પ્રચાર કરી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.