પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે ત્યારે તેઓ અંબાજી મંદિરે પહોંચ્યા હતા. અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને લોકોનું દિલ જીત્યું હતું. બનાસકાંઠાના લોકોએ પણ પ્રધાનમંત્રી મોદીનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. ગબ્બર પહોંચી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા આરતીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદી અંબાજી ખાતે 50 કરોડથી વધુના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીની બનાસકાંઠાને ભેટ
પ્રધાનમંત્રી મોદીએ દિવાળી મનાવવા માટે લોકોને ઘરના ઘર આપ્યા હતા. તેમણે 60 હજારથી વધુ ઘરોનું લોકાર્પણ કર્યું હતું. સાથોસાથે 1967 કરોડના 8633 ઘરોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ સિવાય તેમણે મીઠાથી લાખણી જતા રોડનું લોકાર્પણ કર્યું હતું. આ રોડ બનાસકાંઠાના લોકોના પરિવહન માટે 85 કરોડના ખર્ચે બન્યો છે. પ્રધાનમંત્રી મોદીએ અંબાજી ખાતે અંબાજી બાયપાસ રોડનું પણ ખાતમુહૂર્ત કર્યું છે.
લમ્પી બાદ ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત
ગુજરાત સરકારને લમ્પી મામલે નીચે જોવા જેવી કામગીરી કરી તેવા લોકોના આક્ષેપો છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન ગૌશાળાના સંચાલકો માટે ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવી હતી. ગૌશાળામાં તેમણે ચેક વિકરણ મારફતે આર્થિક સહાય પણ આપી હતી.