સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો આઠમો દિવસ છે. ત્યારે સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. હોબાળાને કારણે અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત પણ કરવામાં આવી છે. ત્યારે મંગળવારના દિવસે રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેર્યા હતા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને પણ ટિપ્પણી કરી હતી. આ બધા વચ્ચે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના છે. જેને લઈ સંસદમાં ફરી એક વખત હોબાળો થવાની સંભાવના દેખાઈ રહી છે.
રાષ્ટ્રપતિના અભિભાષણને લઈ સંસદમાં થયો હતો હોબાળો
બજેટના પ્રથમ દિવસે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. તે પહેલા બંને ગૃહોના સાંસદોને રાષ્ટ્રપતિએ સંબોધિત કર્યા હતા. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જોરદાર હંગામો થયો હતો. તે સિવાય સંસદમાં અદાણી મુદ્દાને લઈ વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
અદાણી મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમને ઘેરવાનો પ્રયાસ
લોકસભામાં રાહુલ ગાંધીએ હિંડનબર્ગ રિપોર્ટ પર સરકાર અને વડાપ્રધાન મોદીને અનેક પ્રશ્નો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2014માં ગૌતમ અદાણી અમીરોની લિસ્ટમાં 609 નંબરના ક્રમે હતા. પરંતુ થોડા જ વર્ષોની અંદર તેઓ અમીરોની લિસ્ટમાં બીજા ક્રમે આવી ગયા. તે સિવાય રાહુલે ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદીનો ફોટો પણ બતાવ્યો હતો અને 7 સવાલો પણ પૂછ્યા હતા.
ભાજપના અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા
રાહુલના આ નિવેદન પર ભાજપના અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિ ઈરાનીએ જવાબ આપતા કહ્યું કે એક મેજિક મારા સંસદીય ક્ષેત્રમાં પણ થયું છે. અમેઠીમાં 40 એકડ જમીનનું મેજિક થયું. 40 એકર જમીનનું ભાડું માત્ર 623 રુપિયા. તે સિવાય રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે પણ તેમણે જવાબ આપ્યો હતો. તે સિવાય ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર ખોટા આરોપો લગાવ્યા છે. કોંગ્રેસના નેતા બધા કૌભાંડમાં સામેલ છે જેણે ભારતની ઈમેજને બગાડી છે.