વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત અચાનક ગઈકાલે બગડી ગઈ હતી. જેને કારણે સારવાર માટે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત દોડી આવ્યા હતા. થોડા કલાકોની મુલાકાત બાદ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની સ્થિતિ સુધરી રહી છે. હાલ હીરાબાની તબિયત ઘણી સારી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસ બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.
એકાદ દિવસમાં હીરાબાને અપાશે રજા
અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પીએમ મોદીના માતાને દાખલ કરવામાં આવ્યા હતા. એકાએક તેમની તબિયત બગડી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માતાની તબિયત બગડવાને કારણે પીએમ મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ઉપરાંત દાખલ કર્યા ત્યારથી ડોક્ટરની ટીમના સંપર્કમાં હતા. હીરા બા જલ્દી સાજા થાય તે માટે અનેક સ્થળો પર, અનેક મંદિરોમાં તેમના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર હીરાબાની તબિયત સુધારા પર છે. અને એકાદ દિવસમાં તેમને રજા પણ આપી દેવામાં આવશે. આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હીરાબાની ખબરઅંતર પૂછવા હોસ્પિટલ ગયા હતા.