આપઘાત કરવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકો પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે. ત્યારે આત્મહત્યા અંગે વડાપ્રધાન મોદીએ એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક મીડિયા કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેને લઈ કોંગ્રેસ દ્વારા તેની ટીકા કરવામાં આવી રહી છે. પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીનો એ વીડિયો શેર કર્યો છે.
વડાપ્રધાન મોદીએ કહી આ વાત!
વડાપ્રધાન મોદી કોન્ક્લેવમાં બોલ્યા હતા કે, એક જોક સાંભળ્યો કે કેવી રીતે એક પ્રોફેસરે તેમની પુત્રી દ્વારા લખેલી સુસાઈડ નોટ વાંચીને ટિપ્પણી કરી કે આટલા વર્ષોના પ્રયત્નો છતાં તેણે સ્પેલિંગ મિસ્ટેક કરી હતી. અને આ કહ્યા પછી વડાપ્રધાન મોદી તેમજ ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા આ વાતને લઈ ટિપ્પણી કરવામાં આવી રહી છે.
પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર!
આ વાતને લઈ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે વડાપ્રધાન અને તેમની મજાક પર દિલથી હસનારાઓએ આ અસંવેદનશીલ, રોગિષ્ઠ રીતે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની મજાક ઉડાવવાને બદલે પોતાનો વધુ સારી રીતે શિક્ષિત કરવા જોઈએ. આ સાથે જ તેમણે આંકડાઓ પણ દર્શાવ્યા હતા. જે મુજબ વર્ષ 2021માં 164033 ભારતીયોએ સ્યુસાઈડ કર્યું છે. આત્મહત્યા કરનાર વ્યક્તિઓમાં મોટી સંખ્યામાં 30થી નાની ઉંમરના લોકો છે. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું હતું કે હજારો પરિવાર આત્મહત્યાને કારણે પોતાના છોકરાઓને ખોઈ રહ્યા છે. પીએમ મોદીએ એમની મજાક નહોતી કરવી જોઈતી.
આત્મહત્યા બન્યો એક ગંભીર મુદ્દો!
ઉલ્લેખનિય છે કે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યા કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દો ગંભીર બની રહ્યો છે. આ વિષય પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. કારણ કે દેશનું ભાવિ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.