હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરવામાં આવી નથી. તારીખ જાહેર થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ ગુજરાતમાં આવી ભાજપ દ્વારા કરવામાં આવેલા કાર્યોને ગણાવશે. તેમના આગમનને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ફરી એક વખત તેઓ ગુજરાતના પ્રવાસે આવવાના છે. 19 ઓક્ટોબરના રોજ તેઓ રાજકોટ ખાતે આવી જનસભાને સંબોધવાના છે. એરપોર્ટ ખાતેથી શાસ્ત્રી મેદાન સુધી તેઓ રોડ શો કરવાના છે. અંદાજીત 3 કિલોમીટરની આ રેલી યોજાવાની છે. રેસકોર્સમાં જાહેર સભા માટેની તૈયારીઓને આખરી ઓપ દેવામાં આવી રહ્યો છે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 6 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરવાના છે. રેસકોર્સમાં જનસભા પણ સંબોધવાના છે.
ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું છે આયોજન
પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુજરાતને વિકાસના કામોની ભેટ આપતા હોય છે. આ પ્રવાસ દરમિયાન પણ કરોડો રૂપિયાના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોદીજીના રોડ શો દરમિયાન ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.