ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. વડાપ્રધાન તેમજ અમિત શાહ નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ ગુજરાતમાં આવીને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવાના છે.
પીએમ મોદી પાંચ દિવસના ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 29,30 સપ્ટેમ્બરે તેમજ 9થી 11 ઓક્ટોબર દરમિયાન વડાપ્રધાન 12 જનસભાને સંબોધવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિના ઉપાસક છે. નવરાત્રી દરમિયાન તેઓ શક્તિપીઠ અંબાજીના દર્શન પણ કરવાના છે.
વડાપ્રધાન મોદીનો શિડ્યુલ
29 અને 30 સપ્ટેમ્બરના રોજ પીએમ સુરત, ભાવનગર, અમદાવાદ અને
અંબાજીના પ્રવાસે છે. તે બાદ 9 ઓક્ટોબરના રોજ મોડાસાના પ્રવાસે જઈ શકે છે. 10
ઓક્ટોબરના રોજ જામનગર અને ભરૂચના પ્રવાસે છે અને 11 ઓક્ટોબરે રાજકોટના
જામકંડોરણાના પ્રવાસે છે.
શરૂ થયો ચૂંટણી પ્રચારનો દોર
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ ગરમાઈ રહી છે. એક બાદ એક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે જ્યારે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી પ્રચાર કરવાની છે.