શાળાનું જીવન એ બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. આપણા શિક્ષકો પાસેથી આપણને જે પ્રવૃત્તિ કરવા મળી હોય, જે શીખ મળી હોય, જેવા અનુભવો થયા હોય, સારા કે ખરાબ તે આજીવન યાદ રહી જતા હોય છે. મારા, તમારા સૌના એવા કિસ્સાઓ, અનુભવો હશે જેને યાદ કરી આપણા ચહેરા પર મુસ્કાન આવી જાય તો ક્યારેક આંખના ખૂણા પણ ભીના થઈ જતા હોય છે.ચાણક્યજી કહેતા હતા કે શિક્ષક કોઈ દિવસ સામાન્ય નથી હોતો, પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળામાં રમતા હોય છે.
ખુલ્લા મેદાનમાં શિક્ષક બાળકો સાથે કરે છે ડાન્સ
ત્યારે થોડા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં શિક્ષણની કથળતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે. પરંતુ આ ન્યુઝમાં આ અંગે વાત નથી કરવી. વાત કરવી છે એવા શિક્ષકની જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષક સ્કૂલમાં પોઝિટિવ વાતાવરણ ઉભું થાય તે માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે.
ગમ્મત સાથે જ્ઞાન પિરસવાની કોશિશ કરતા શિક્ષક
રાજ્યમાં શિક્ષણની કથળતી સ્થિતિ પર જ્યારે આટલા દિવસોથી ચર્ચા થઇ રહી છે ત્યારે આ વિવાદો અને શિક્ષણના અભાવો વચ્ચે વાત એક એવા શિક્ષકની જે સકારાત્મકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. શિક્ષણની પરિસ્થિતિની વાસ્તવિક્તા હમેશાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. વાસ્તવિક્તા ઘણી વખત અમને દુખી કરી દે છે, પરંતુ એવા શિક્ષકો પણ છે જે ગમ્મત સાથે જ્ઞાન પિરસવાનું કામ કરતા હોય છે. બાળકને શિક્ષણ બોજરૂપ ન લાગે તે માટે શિક્ષણને સહેલું કરી તેમને સમજાવવાનો પ્રયાસ કરતા હોય છે.
શાળામાં ડાન્સ કરી વિદ્યાર્થીઓના એન્ટરટેનર બને છે શિક્ષક
ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલી એક પ્રાથમિક શાળાનો છે. આ શાળામાં હિતેશ પટેલ કરીને એક શિક્ષક છે જે આમતો વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે પરંતુ તેઓ ક્યારેક બાળકોના એન્ટરટેઇનર પણ બની જાય છે.. શાળામાં સતત ભણતા બાળકો થોડું હળવું મહેસૂસ કરે બાળકો અને શિક્ષકો વચ્ચે એક પોઝિટિવ વાતાવરણ ઉભુ થાય એ માટે તેઓ ખુલ્લા મેદાનમાં બાળકોને ભેગા કરે છે. અને તેમને ગીતો ગવડાવે છે અને તેમની સામે ડાન્સ કરે છે.
સુંદર પ્રવૃત્તિના સમાચાર પહોંચાડવાની પણ છે જવાબદારી
આ વીડિયોમાં શિક્ષક હિતેશ પટેલ ડાન્સ કરીને બાળકોનું મનોરંજન કરીને તેમને સ્કૂલે આવવા માટે પ્રેરિત કરે છે. અને તમે કદાચ કહેશો કે આવું તો બધા શિક્ષકો કરે પણ એવું કરવાવાળા શિક્ષકો છે કેટલા? કેટલા એવા શિક્ષકો હશે જે ભણાવવાની નોકરીને ફક્ત નોકરી તરીકે ન લે, પરંતુ જે તેમની પાસે બાળકો ભણવા આવે છે તેમની માનસિકતા સમજે, તે મુજબ ભણતરનો ભાર હળવો કરવાનો પ્રયાસ કરે. આ સમાચાર તેમજ વીડિયો તમારી સામે લાવવાનો ઉદ્દેશ્ય એક જ છે કે જો અમે માધ્યમ તરીકે કોઇ ક્ષેત્રમાં ચાલતી ગેરરિતીઓને તમારી સામે મુકતા હોઇએ તો કોઇ ક્ષેત્રમાં ચાલી રહેલી સુંદર પ્રવૃત્તિઓને પણ તમારી સામે અમારે લાવવી જોઇએ.