ધૂળેટી પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી પડતર દિવસે એટલે કે મંગળવારના દિવસે કરવામાં આવી હતી તો અનેક જગ્યાઓ પર ધૂળેટીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. ધૂળેટી પર્વને લઈ અનેક રાજનેતાઓએ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિત અનેક રાજનેતાઓએ ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે.
રાજનેતાઓએ કરી ટ્વિટ
ભારત દેશમાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. ભારતને તહેવારોને દેશ કહેવાય છે. ત્યારે દેશમાં આજે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારોને લઈ રાજનેતાઓ દેશવાસીઓને શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે ધૂળેટીને લઈને પણ વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ ટ્વિટ કર્યું છે.
રાષ્ટ્રપતિ તેમજ પીએમએ પાઠવી પર્વની શુભેચ્છા
વડાપ્રધાન મોદીએ લખ્યું કે હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપ સર્વેના જીવનમાં આનંદ અને ઉમંગના રંગોની વર્ષા થાય. તે ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ શુભેચ્છા પાઠવતા લખ્યું કે ઉલ્લાસ અને ઉમંગના પર્વ હોળીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. મારી મંગલ કામના છે કે રંગોનો આ મહાપર્વ બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નવી ઉર્જાનો સંચાર કરે. મહત્વનું છે કે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થી સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.
યોગી આદિત્યનાથે લીધો ધૂળેટીની ઉજવણીમાં ભાગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ હોળીની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે રંગ, ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસના તહેવાર હોળી પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. તે સિવાય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ હોળીના તહેવારને લઈ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું કે હોળીનો તહેવાર દરેકના જીવનમાં નવો રંગ ભરે, દેશમાં એકતાનો રંગ ચઢે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગોરખનાથ મંદિર ખાતે આયોજીત ધૂળેટીની ઉજવણીમાં ભાગ લીધો હતો.