બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું થોડા દિવસો અગાઉ નિધન થયું હતું. ત્યારે 19 સપ્ટેમ્બર સોમવારના દિવસે બ્રિટિશ મહારાણીની અંતિમવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આવતીકાલે બ્રિટનના સમય મુજબ સવારે 11 કલાકે બ્રિટિશ મહારાણીના સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ઉપસ્થિત રહેશે. દેશ વિદેશથી અનેક રાજકીય નેતાઓ અને વીઆઈપી લોકો ઉપસ્થિત રહેશે.
કયા મોટા નેતાઓ હાજર રહેશે?
દેશ વિદેશથી અનેક મોટા નેતાઓ અંતિમ વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બિડેન પણ મહારાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પણ લંડન બ્રિટનના મહારાણીની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે. વેસ્ટમિન્સ્ટરના એબ્બે ખાતે મહારાણીના અંતિમ સંસ્કાર વિધિમાં દુનિયાભરના 2 હજારથી વધુ વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે.
8 સપ્ટેમ્બરના રોજ ગુરુવારે બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાનું 96 વર્ષની વયે સ્કૉટલેન્ડના બાલ્મોરલ કાસલમાં નિધન થયું હતું. તેઓ બ્રિટનના સૌથી લાંબા ગાળા સુધી રહેનારા રાણી હતા.