રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કલાકારો માટે એક ખાસ દિવસ હોય છે, જેમાં તેમને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. થોડા દિવસ પહેલા દિલ્હીમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે રાજધાનીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશભરના કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કલાકારોમાં આલિયા ભટ્ટ, અલ્લુ અર્જુન, કૃતિ સેનન અને વહીદા રહેમાન જેવા કલાકારોનો સમાવેશ થતો હતો. તો ચાલો તમને જણાવીએ કે કયા કલાકારને કયો એવોર્ડ મળ્યો...
આલિયા ભટ્ટ
પોતાના અભિનયથી દુનિયાભરમાં નામના મેળવનારી આલિયા ભટ્ટને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેના શાનદાર અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. લગ્નની સાડી પહેરીને આવેલી આલિયા ભટ્ટે રાષ્ટ્રપતિ પાસેથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સ્વિકાર્યો હતો. પતિ રણબીર કપૂર સાથે આવેલી આલિયાએ રેડ કાર્પેટ પર કહ્યું, 'આજે મારે એક જ શબ્દ બોલવો છે આભાર.' આલિયાએ તેની નેશનલ એવોર્ડ જીતને 'પિંચ મી મોમેન્ટ' ગણાવી હતી.
કૃતિ સેનન
આલિયાની જેમ જ કૃતિ સેનન પણ ક્રીમ કલરની સાડી પહેરીને એવોર્ડ લેવા પહોંચી હતી. કૃતિએ ફિલ્મ 'મિમી'માં તેના અભિનય માટે આલિયા સાથે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ શેર કર્યો હતો. આ ફિલ્મમાં તેણે સરોગેટ માતાની ભૂમિકા ભજવી હતી. કૃતિએ રેડ કાર્પેટ પર કહ્યું કે તે આટલી સુંદર ભૂમિકા ભજવી શકવા માટે પોતાને ધન્ય અને ભાગ્યશાળી માને છે.
અલ્લુ અર્જુન
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આ વર્ષે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. અલ્લુ અર્જુને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માં તેના દમદાર અને શાનદાર અભિનય માટે આ એવોર્ડ જીત્યો હતો. અલ્લુ અર્જુને આ એવોર્ડથી સન્માનિત થવાને બેવડી સિદ્ધિ ગણાવી હતી. તેલુગુ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ પૈકીના એક અલ્લુ અર્જુને 'પુષ્પાઃ ધ રાઇઝ'માં ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.
પંકજ ત્રિપાઠી
પોતાના અભિનય કળાથી લોકોના દિલમાં અમીટ છાપ છોડનાર અભિનેતા પંકજ ત્રિપાઠીને પણ આ વર્ષે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અભિનેતાને ફિલ્મ 'મિમી'માં તેના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રસંગે પંકજ ત્રિપાઠી ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા.
વહીદા રહેમાન
પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને 85 વર્ષની વયે વર્ષ 2021 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ભારતીય સિનેમાની પ્રગતિ અને પ્રમોશનમાં તેમના અસાધારણ યોગદાન માટે આપવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં સ્ટેન્ડિંગ ઓવેશન મેળવ્યા બાદ પીઢ અભિનેત્રી વહીદા રહેમાન ભાવુક થઈ ગયા હતા.
આર માધવન
આર માધવનને 'રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ' માટે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે આર માધવને તેનું નિર્દેશન પણ કર્યું હતું. એવોર્ડ મળવા પર પોતાની ખુશી વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું, 'ઓહ માય ગોડ, તે યોગ્ય છે.' એવોર્ડ મળવાની ખુશી અભિનેતાના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.