POINT OF VIEW
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. અને એનાથી પણ ભભૂકતી સ્થિતિ છે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની. કારણ કે આ ચૂંટણીમાં ટિકિટ કોને આપવી એની મથામણ કરતાં કોને કાપવા એના પર લાંબુ મંથન અને મહેનત લાગશે. પરંતુ ચોંકાવનારી સ્થિતિ એ છે કે કેટલાક છાપેલા કાઠલા જેવા નેતાઓને એ વિસ્તારની આખી પેઢી પોસ્ટરોમાં ચૂંટણી સમયે જોઇ જોઇને મોટી થઇ છે પણ એ હટવાનું નામ નથી લેતા.અને આ સ્થિતિ ભાજપ અને કોંગ્રેસ માટે માથાનો ખુબ જ મોટો દુખાવો છે. એવું નથી કે રાજનીતિમાં ઉંમર લાયક માણસે ન રહેવું જોઇએ. પરંતુ સત્તા એક એવી ખીચડી છે કે એક વાર ખાધા પછી એ નશીલી બની જાય છે. પછી સત્તા વગર નથી રહેવાતું કે નથી તેને મૂકી શકાતું...અને પછી શરૂ થાય છે બવંડર...
નારાજગી કે રાજકીય ષડયંત્ર?
રાજનીતિમાં જે દેખાય છે એવું જ હોય છે એ માનવું ઘણીવાર ભૂલ ભરેલું હોય છે. અને એનું કારણ છે સત્તા. અને એટલે જ સત્તા માટે ક્યાંય વિરોધીઓ તો ક્યાંક પોતાના જ લોકો કોઈ ફાવે નહીં અને બીજો આવે નહીં એ ન્યાય સાથે વિરોધની જાળ પણ બિછાવે રાખે છે.
પણ તેમ છતાં આ બવંડર ગુજરાતમાં 27 વર્ષથી રાજ કરતી ભાજપમાં અને કોંગ્રેસમાં પણ એટલી તીવ્રતાથી ચાલી રહ્યું છે. એક જ દિવસમાં ભાજપના બે દિગ્ગજો સ્થાનિકોનો વિરોધ જ નહીં આકરો રોષ જોવા મળ્યો.
01 ) કેશાજી ચૌહાણ – પૂર્વ મંત્રી રહી ચુક્યા છે રાજ્ય સરકારમાં અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખ પણ. પરંતુ તેમના જ વિધાનસભા વિસ્તાર દિયોદરમાં ખુદ ભાજપના જ નેતાઓ તેમનાથી કંટાળી 27 લોકોની યાદી તૈયાર કરીને સોંપી દીધી છે. ભાજના હાઇકમાન્ડને એવું કહેવામાં આવ્યું છે કે આ 27 લોકોમાંથી કોઈને પણ ટિકિટ આપજો પણ કેશાજી નહીં ચાલે. નહીં તો ભાજપે ભોગવવું પડશે.
02 ) સૌરભ પટેલ– ભાજપના આ દિગ્ગજ પણ એક સમયે સરકારની મજબૂરી હતી. એ હારે એમ હોય તો ગમે ત્યાંથી ગમે ત્યાં પેરાશૂટ લેંન્ડીગ કરાવીને પણ જીતાડવા પડે. અને મંત્રી પણ બનાવવા પડે. પરંતુ એક ઝાટકે મંત્રીમંડળ આખું ઉડ્યું એમાં સૌરભભાઇ પણ આવી ગયા. પરંતુ હવે તેમની જ પાર્ટીના નેતાઓ બોટાદમાં જાહેર મંચ પરથી સૌરભ પટેલનો વિરોધ કરી રહ્યા છે અને કોઇ બીજાને મોકો આપવાની માગણી ખુલ્લેઆમ થઇ રહી છે.
03 ) રાઘવજી પટેલ– વર્તમાન સરકારમાં કૃષિમંત્રી છે. કોંગ્રેસ, રાજપા અને ફરી પાછા ભાજપમાં આવી લાંબી રાજકીય દોડ બાદ આજે પણ એક્ટિવ છે. પરંતુ તેમના જ વિસ્તારમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. કૃષિમંત્રી છે અને લમ્પીએ કોરોનાની જેમ જ ગાયોના જીવ લેવાનું શરૂ કર્યું. ગાયોના લાશોના ઢગલાની સાથે નાના-નાના ગરીબ પરિવારોની આજીવિકા પણ દફન થતી રહી.
આ તો ત્રણ જ નામ થયા પરંતુ આ લીસ્ટમાં નામ ભાજપમાંથી તો ઘણા છે.
કોંગ્રેસમાં કાળો કકળાટ
એવો જ ભડકો કોંગ્રેસમાં પણ થઇ રહ્યો છે. પાર્ટી ટિકિટ આપે કે ન આપે પણ લોબિંગ કરવામાં શૂરા નેતાઓએ તો રાજકોટ જેવા શહેરમાં બેનરો લગાવી દીધા. સમર્થકો અને મોવડીઓની ખૂશામત ચરમસીમા પર છે. પરંતુ કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીમાં પણ પોતાનાઓને ટિકિટ કેમ મળી જાય તેની હોડ શરૂ થઇ ગઇ છે.
રાઠવા પરિવાર જંગે ચઢ્યો
સુખરામ રાઠવા– ખુલ્લેઆમ દેકારા પડકારા સાથે કહી દીધું છે કે હું હજી ઘરડો નથી થયો. હું ચૂંટણી નહીં લડું તેવી વાતો પણ અફવા છે. પહેલા તો પોતે વિધાનસભામાં વિપક્ષના નેતા હોવા છતાં કહી દીધું હતું કે અહીંયા તો કોઈ નો રિપિટ નહીં ચાલે. તમામ ધારાસભ્યોને ફરી ટિકિટ આપવી પડશે. એનો મતલબ છે કે મને પણ ફરી ટિકિટ જોઇએ છે.
મોહન રાઠવા VS નારણ રાઠવા
ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના પુત્રને વિધાનસભાની ટીકીટ મળે તેવી લાગણી દર્શાવી છે. સાંસદ નારણ રાઠવાએ પોતાના દીકરાને છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવાની માગ કરી છે. નારાણ રાઠવાએ કહ્યું કે, સુખરામ રાઠવા નિવૃત્તિ લે અથવા લોકસભા લડે અને પોતાના જમાઈ રાજેન્દ્ર રાઠવાને વિધાનસભાની ટિકિટ આપીને લડાવે.
ભીખાભાઇ જોશી
જૂનાગઢમાં કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્ય ભીખાભાઇ જોશી સામે પણ તેમના જ શહેરમાં સૂત્રોચ્ચાર થયા. ભીખાભાઈ જોશીને પોતાના જ વિસ્તારમાં વિરોધનો સામનો કરવો પડ્યો.
મોટી વાત એ છે કે હવે મોટાભાગની વિધાનસભા વિસ્તારમાં આવી જ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે અને આ ભડકો કેટલાકને દઝાડે તો કેટલાકને ટાઢક અપાવે એવો પણ હોઇ શકે છે.