આણંદ કલેકટર કચેરી કાંડ બાદ નવા કલેક્ટર તરીકે કોણ આવશે તેની ચર્ચાઓ થઈ રહી છે. જો કે રાજ્ય સરકારે આજે આણંદના નવા કલેક્ટર તરીકે પ્રવિણ ચૌધરીની નિમણુક કરી છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સેવા આપતા પ્રવિણ ચૌધરીની આણંદ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આણંદના પૂર્વ કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે અશ્લિલ હરકત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ IAS લોબીમાં હાહાકાર મચી ગયો હતો. મીડિયા રિપોર્ટ બાદ આ મામલો સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ સરકાર પણ એક્શનમાં આવી અને તત્કાલીન આણંદ કલેક્ટર ડીએસ ગઢવીને ગેર શિસ્ત અને બેજવાબદારીના કારણોસર સસ્પેન્ડ કરી દીધા હતા.
નર્મદા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજની બદલી
નર્મદા નદીમાં પૂર આવતા ભરૂચ જિલ્લામાં ભારે તબાહી સર્જાતા હોબાળો મચી ગયો છે. હવે મા મામલે દોષનો ટોપલો નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજ ઢોળતા તેમની બદલી કરવામાં આવી છે. નર્મદા વિભાગના 1997ની બેચના આઇએએસ પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને દેશના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના UIDIA વિભાગમાં એટલે યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલની જવાબદારી મળી છે. ઉલ્લેખનિય છે કે આ બદલી થવાનું નક્કી જ હતું. કેન્દ્ર સરકારે આ બદલી અંગેનો ઓર્ડર પણ જારી કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે સરદાર સરોવર નર્મદા ડૅમમાંથી 18 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવતા નદીમાં ભારે પૂર આવ્યું હતું જેને પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નદીના સપાટી 41.50 ફૂટ વટાવતા અંકલેશ્વર તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ભરૂચ અને અંકલેશ્વરમાં સૌથી વધુ નુકસાન થયું છે. લગભગ 55થી વધુ ગામડાંઓમાં પૂરની અસર થઈ છે. રાતના સમયે એકાએક આવી ગયેલા પૂરનાં પાણીને પગલે લોકોને પોતાની ઘરવખરી કે પશુઓને સ્થળાંતર કરવાનો પણ સમય મળ્યો ન હતો.