હિંદુ ધર્મમાં દરેક તિથિનું વિશેષ મહિમા રહેલું છે. જેમ ચોથ ગણપતિ દાદાને સમર્પિત છે, આઠમ માતાજીને સમર્પિત છે, અગીયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેવી જ રીતે ભગવાન શકંરને સમર્પિત છે તેરસ. ભગવાન શંકરને પ્રસન્ન કરવાના વ્રતોમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહિમા રહેલો છે. હિંદુ કેલેન્ડરના મહિનાઓમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ હોય છે. સુદ અને વદ પક્ષની તેરસે પ્રદોષ વ્રત કરવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક પ્રદોષનું વ્રત કરવાથી શિવજી ભક્તોના તમામ કષ્ટ કાપે છે.
પ્રદોષ વ્રત છે મહાદેવને અતિપ્રિય
ભગવાન શંકરને પ્રસન્ન કરવા અનેક વ્રતો આપણા ધર્મમાં બતાવ્યા છે. પરંતુ પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન શકંર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે સોમવારના દિવસે પ્રદોષ વ્રત હોવાને કારણે આ વ્રતનો મહિમા વધી જાય છે. સોમવાર પણ ભગવાન શિવને સમર્પિત છે અને પ્રદોષ વ્રત પણ ભગવાન શંકરને સમર્પિત છે, સોમવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને સોમ પ્રદોષ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલું વ્રત-ભક્તિ અનેક ઘણું ફળ આપે છે. એવું માનવામાં છે કે આ દિવસે ભગવાન શંકર પ્રસન્ન મુદ્રામાં હોય છે. જેને કારણે ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે.
દિવસ દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ
શિવજીની ઉપાસના કરવાથી દરેક કષ્ટ તેમજ બીમારીઓનો નાશ થાય છે. આ વ્રત કરવાથી ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આખા દિવસ દરમિયાન ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ અને બને એટલી ઓમ નમ: શિવાયની માળા કરવી જોઈએ. મહાદેવજીના મંદિરે જઈ શિવલીંગ પર અભિષેક કરવો જોઈએ. ઉપરાંત શિવજીને ધતૂરો, બિલીપત્ર, દૂધ, ચંદન સહિતની સામગ્રી અર્પિત કરવી જોઈએ. આ દિવસે તાંડવનો પાઠ પણ કરવો જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે જે પણ ભક્ત શ્રદ્ધાપૂર્વક પ્રદોષ વ્રત કરે છે તેને શ્રાવણ મહિનામાં કરવામાં આવતી ભક્તિ જેટલું પુણ્ય મળે છે. પ્રદોષ વ્રતને મનોવાંચ્છિત ફળ આપનારું વ્રત માનવામાં આવે છે.
શું છે પ્રદોષ વ્રત પાછળની પ્રચલિત કથા
પૌરાણિક કથા અનુસાર ચંદ્રના વિવાહ પ્રજાપતિ દક્ષની 27 કન્યાઓ સાથે થયા હતા. પરંતુ 27 પત્નીઓમાંથી ચંદ્રને રોહિણી પ્રત્યે વધારે લાગણી હતી. રોહિણી પ્રત્યે વિશેષ લગાવ હોવાને કારણે બીજી પત્નીઓએ દુખી થઈ આ વાત પોતાના પિતા દક્ષ સામે રજૂ કરી. ગુસ્સામાં ભરાયેલ દક્ષે શ્રાપ આપ્યો જેને કારણે ચંદ્રની કળાઓ ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. ત્યારે નારદજીએ ચંદ્રને અને રોહિણીને ભગવાન શંકરની પૂજા કરવાની સલાહ આપી. ચંદ્ર અને રોહિણીની આરાધનાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યા.