હિંદુ ધર્મમાં ભગવાનની પ્રદક્ષિણા કરવાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આપણે કોઈ પણ મંદિરે દર્શાનાર્થે જઈએ છીએ ત્યારે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. એવું માનવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાંથી વાઈબ્રેશન નિકળતા રહે છે. મૂર્તિની આસપાસ ચાલવાથી મૂર્તિમાં રહેલી ઉર્જા આપણામાં આવે છે. પ્રદક્ષિણા હમેશાં જમણેથી ડાબે ફરવામાં આવે છે. એવું માનવામાં આવે છે પ્રદક્ષિણા કરવાથી અનેક ઘણુ ફળ મળે છે. આપણે ત્યાં ન માત્ર મંદિરોમાં પરિક્રમા કરવામાં આવે છે પરંતુ નદીઓની, પર્વતોની, વૃક્ષોની પણ પરિક્રમા કરવામાં આવે છે.
પ્રદક્ષિણા કરવાનો મહિમા
આપણે જ્યારે કોઈ પણ મંદિરે જઈયે છીએ ત્યારે પ્રદક્ષિણા અવશ્ય કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે કોઈ પણ ભગવાનના મંદિરે જઈએ છીએ ત્યારે એક પરિક્રમા કરતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે કયા દેવની કેટલી વખત પરિક્રમા કરવી જોઈએ? ત્યારે આજે જાણીએ કયા ભગવાનની કેટલી વાર પ્રદક્ષિણા કરવી જોઈએ.
ગણપતિજીની ત્રણ વખત કરવામાં આવે છે પરિક્રમા
આપણે ત્યાં દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ પ્રદક્ષિણા કરવાનું વિધાન છે. સૌથી પહેલા વાત કરીએ પ્રથમ પૂજ્ય ગણેશજીની, તો તેમની 3 વખત પરિક્રમા કરવી જોઈએ જેનાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન સૂર્યદેવની સાત વખત પરિક્રમા કરવી જોઈએ. જ્યારે માતાજીની એક વખત જ પ્રદક્ષિણા કરવી જોઈએ.
શંકર ભગવાનની અડધી પરિક્રમા કરવી જોઈએ
ભગવાન વિષ્ણુની ચાર વખત પરિક્રમા કરવી જોઈએ. હનુમાનજીની પણ ત્રણ પરિક્રમા કરવામાં આવે છે. જ્યારે શંકરની ભગવાનની અડધી પરિક્રમા જ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સોમસૂત્રને ઓળંગી શકાય નહીં. સોમસૂત્ર એટલે એ ધારા જ્યાંથી ભગવાન શંકરને અર્પિત કરવામાં આવેલું જળ અથવા દૂધની ધારા વહે છે. આ ધારાને કોઈ દિવસ ઓળંગવી ન જોઈએ.
પરિક્રમા દરમિયાન લેવું જોઈએ ભગવાનનું નામ
આપણે જ્યારે પરિક્રમા કરતા હોઈએ ત્યારે મનમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. જો ભગવાન ગણપતિના મંદિરે ગયા હોઈએ તો ઓમ્ ગં ગણપતયે નમ: નો જાપ કરવો જોઈએ. જો માતાજીના મંદિરે ગયા હોઈએ તો ઓમ્ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચૈ: નો જાપ કરવો જોઈએ. સૂર્યદેવની પરિક્રમા કરતી વખતે ઓમ્ સૂર્યાય નમ: નું ઉચ્ચારણ કરવું જોઈએ અથવા તો સૂર્ય ભગવાનના 12 નામોનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પરિક્રમા કરતી વખતે ઓમ્ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. અને શિવાલયે જઈ ઓમ્ નમ: શિવાયનો મંત્રનો જાપ કરવો જોઈએ. અથવા તો || યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સવાર્ણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે ।। મંત્રથી પ્રદક્ષિણા કરવી જોઈએ.