ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. હાલ રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તેની સાથે જ લોકોને પણ ગરમીનો આકરો તાપ સહન કરવો પડી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે લોકોની વીજ વપરાશમાં પણ સતત વધારો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં વીજળીની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. વીજ વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 દિવસમાં અંદાજિત 2 હજાર મેગાવોટ જેટલો વીજ વપરાશ વધ્યો છે. આ કારણે લોકોને વીજ બિલ પણ વધશે તે વાત નક્કી છે.
કેટલો વધ્યો વીજ વપરાશ?
રાજ્યમાં 7 મેના રોજ વીજ માગ 17,947 મેગા વોટની હતી, જે માત્ર ચાર જ દિવસમાં 2 હજાર મેગાવોટ જેટલી વધી છે.10મેના રોજ વીજ માગ વધીને 20,235 મેગાવોટ પર પહોંચી છે. ગરમીના કારણે બપોરે લોકો ઘરમાં અને ઓફિસમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે. ઘરોમાં અને ઓફિસોમાં એસી. એર કુલર અને પંખા સતત ચાલુ રહેવાના કારણે વીજ વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.