રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા પોસ્ટરો રાજકોટની એક સોસાયટીમાં લગાવવામાં આવ્યા છે. દારૂડિયા અને દારૂ વેચનારાઓથી કંટાળીને સોસાયટીના રહીશોએ આ પોસ્ટર લગાવ્યા છે. આજકાલ આ પોસ્ટરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.
પોસ્ટરોએ શહેરમાં ચર્ચા જગાવી
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ઉદ્યોગનગર કોલોનીના રહીશોએ દારૂડિયાઓથી કંટાળીને આવા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યું છે કે 'દારૂ અહી નહીં, અહીંથી 500 મીટર દૂર લોહાનગરમાં દારૂ મળે છે'. 'દારૂડિયાઓએ દારૂ પીને શેરીમાં પ્રવેશ કરવો નહીં'. આ પોસ્ટરો દારૂબંધીના પોકળ દાવા કરતા પોલીસ તંત્રને અરીસો બચાવે છે. રાજકોટના જાગૃત સોસાયટીવાસીઓએ પોસ્ટર મારતાં ચર્ચા જાગી છે.
બાળકી સાથે થઈ હતી છેડતી
રાજકોટના ગોંડલ રોડ પર ગઈકાલે જ બાળકી સાથે છેડતીનો બનાવ બન્યા બાદ રહીશોએ આ પોસ્ટરો લગાવ્યા છે. જોકે, અહીં સવાલ એ થાય છે કે, દારૂબંધી હોવા છતાં રહીશોએ લોહાનગરમાં દારૂના વેચાણના દાવા કર્યા છે, હવે જોવાનું એ છે કે આ અંગે પોલીસ દારૂનું વેચાણ કરતા તત્વો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે?