વર્ષ 2023માં આવનાર તહેવારોનો તેમજ વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. આજે 2023ની પ્રથમ એકાદશી છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. સોમવારના દિવસે એકાદશી હોવાને કારણે હરી અને હર બંનેના આશીર્વાદ મળશે. ભગવાન નારાયણ અને ભગવાન શિવજીના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
હિંદુ ધર્મમાં દરેક તિથીનું વિશેષ મહત્વ રહેલું છે. અગિયારસ ભગવાન નારાયણને સમર્પિત છે. આ દિવસે નારાયણની પૂજા કરવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દરેક અગિયારસને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. પોષ મહિનાની સુદ એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી કરવાથી જીવનમાં આવતા તમામ કષ્ટો દૂર થાય છે અને માન સન્માનમાં વધારો થાય છે.
એકાદશીમાં કરવામાં આવતી પૂજાની વાત કરીએ તો પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્વચ્છ કપડા પર સ્થાપિત કરવી જોઈએ. તે બાદ ભગવાનને તિલક તેમજ ચોખા અર્પણ કરવા જોઈએ. શક્ય હોય તો શંખમાં પાણી લઈ ભગવાન નારાયણનો અભિષેક કરવો જોઈએ. પ્રતિમા સમક્ષ દીવો પ્રગટાવો અને ફળ ફળાદી ભગવાન સમક્ષ અર્પણ કરવા જોઈએ. ઉપરાંત ગાયના દૂધથી બનેલો ભોગ ભગવાનને અર્પણ કરવો જોઈએ. પૂજા સમાપ્ત થયા બાદ ભગવાનની ક્ષમા યાચના માગવી જોઈએ. આખા દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ.
પુત્રદા એકાદશીમાં પ્રચલિત કથાની વાત કરીએ તો રાજા સુકેતુમાને ઋષિ મુનિઓએ જણાવેલી વ્રત વિધિ અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ પ્રસન્ન થઈ પુત્રની પ્રાપ્તિ થઈ. એવું માનવામાં આવે છે કે જે દંપત્તિ સંતાનની કામનાથી આ એકાદશીનું વ્રત કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે.