હથિયારોનું જાહેરમાં પ્રદર્શન કરવાનો ટ્રેન્ડ આજકાલ બહું ચાલ્યો છે, લોકો જાહેરમાં બંદુકથી હવામાં ફાયરિંગ કરવામાં પોતાની શાન સમજતા હોય છે. પોરબંદરમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, પોરબંદરના રાણાવાવમાં એક ભાભાએ બે વર્ષનો બાળકના હાથમાં બંદુક થમાવી દીધી હતી, એટલું જ નહીં પણ તેની પાસે બંદુકમાંથી ફાયરીંગ કરાવ્યું હતું. આધેડે વળી આ વીડિયો વોટ્સએપ ગ્રુપમાં પણ મુક્યો હતો. ફાયરિંગનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થતા પોલીસે રાણાવાવના આધેડ અને તેના ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કઈ રીતે ઝડપાયા?
રાણાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. જુનેજાના મોબાઈલમાં આ વિડીયો આવ્યો હતો. એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્વારા તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં આ વિડિયોમાં નાના બાળક સાથે બંદુકથી વીડિયો બનાવેલ ઈસમ બાબતે તપાસ કરતા આ ઈસમ રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતો બોધાભાઈ ખીમાભાઈ ડાભી છે. જેઓએ પોતાના મોટાભાઈ ભાયાભાઈ ખીમાભાઈ ડાભીનું લાયસન્સવાળુ મઝલ લોડ ડબલ બેરલ બંદુક લઈને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુકી પ્રજામાં ભયનું વાતાવરણ ઉભું કરેલ હોય જે બાબતે બન્ને આરોપીઓને પકડી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે હથીયાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.આ ગુન્હામાં રાણાવાવના સ્ટેશન પ્લોટ ફોરેસ્ટ ઓફીસની સામે ધ્રાફા પ્લોટમાં રહેતા બોધાભાઈ ખીમાભાઈ ડાભી અને ભાયાભાઈ ખીમાભાઈ ડાભીની ધરપકડ કરી છે.
પાક રક્ષણ માટે ખરીદી હતી બંદુક
પોરબંદર પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે,ભાયાભાઈ ખીમાભાઈ ડાભીએ પાકના રક્ષણ માટે ઈ.સ.2005 માં લાયસન્સ મેળવી મઝલ લોડ ડબલ બેરલ બંદુક ખરીદી હતી અને હથીયાર લાયસન્સની શરતનો તેમને ભંગ કર્યા છે. તેથી આ ગુન્હામાં પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ છે.