દેશના બે રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જ્યારે મધ્યપ્રદેશમાં એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશના ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાના છે. મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા અને અંતિમ તબક્કાની 70 બેઠકો પર મતદાન યોજાયું છે. રાજ્યમાં કોની સરકાર બનશે તેનું ભવિષ્ય આજે નક્કી થવાનું છે. બંને રાજ્યોમાં 11 વાગ્યા સુધી છત્તીસગઢમાં 19.65 ટકા મતદાન થયું છે, જ્યારે મધ્યપ્રદેશમાં 27.62 ટકા મતદાન થયું છે.
છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે થઈ રહ્યું છે મતદાન
આજે છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના લોકો મતદાન કરી પોતાની સરકારને સત્તા પર લાવશે. લોકતંત્રમાં એક મતદાનનું શું મહત્વ છે કે તે આપણે જાણીએ છીએ. એક વોટથી સરકાર પણ પડી જાય છે! ત્યારે પીએમ મોદીએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર મતદાન કરવા માટે લોકોને અપીલ કરતા ટ્વિટ કરી છે.
પીએમ મોદીએ લોકોને મતદાન કરવા કરી અપીલ
છત્તીસગઢ માટે પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું. તમારો દરેક મત લોકશાહી માટે મૂલ્યવાન છે. તે ઉપરાંત મધ્યપ્રદેશ ચૂંટણી માટે પણ તેમણે મતદાતાઓને અપીલ કરી છે. આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.