દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડી કરવામાં આવે છે. ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. જેને કારણે દિલ્હી સરકારે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ વાતની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે. સી.આર પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે.
સી.આર પાટિલે આપ પર સાધ્યું નિશાન
હાલ ગુજરાતમાં ચૂંટણી લક્ષી તૈયારીઓ થઈ રહી છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. કોઈને કોઈ વાત પર રાજકીય પાર્ટી એક બીજા પર આક્ષેપ કરતી રહે છે. આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે સી.આર પાટિલે આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. વધતા પ્રદૂષણને કારણે દિલ્હીની આપ સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેને કારણે રાજનીતિ ગરમાઈ છે. પોતાના નિવેદનમાં પાટિલે દિલ્હી સરકારના આ નિર્ણયને ધર્મ વિરોધી ગણાવ્યો છે.
શું કહ્યું સી.આર.પાટિલે?
પોતાના સંબોધનમાં સી.આર પાટિલે કહ્યું કે મેં સમાચાર વાંચ્યા કે દિલ્હીના મુખ્યમંત્રીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે તેઓ ગુજરાતમાં ચૂંટણી લડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પછી તમે કેવી રીતે ફટાકડા ફોડશો? આવા ધર્મ વિરોધી અને ફટાકડાનો વિરોધ કરનારા લોકોને તમે ઓળખો. જે આપણને આપણાં જ તહેવારો ઉજવતા રોકી રહ્યા છે.
પાટિલના આ નિવેદન પર આપ શું આપશે પ્રતિક્રિયા?
ગુજરાતમાં જયારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ તેની ચર્ચાઓ થઈ રહી છે. ક્યારેક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ પોસ્ટરને કારણે તો ક્યારેક ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સામે આવી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ પ્રતિઆરોપ વધી રહ્યા છે. આવા પ્રકારના આરોપ-પ્રતિઓરોપને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાતી રહે છે. ત્યારે સી.આર પાટિલના આવા નિવેદન પર આપ શું પ્રતિક્રિયા આપે છે તે આવનાર સમયમાં ખબર પડશે .