હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. દિવાળી સમયે શહેરમાં રહેતા લોકો પોતાના વતન જતા હોય છે. જેને કારણે એસટી બસ તેમજ રેલવે સ્ટેશન પર ઘણી ભીડ જોવા મળે છે. ઘણી વખત દિવાળી સમયે પૂરતી બસ ન હોવાને કારણે, બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. એસટી બસ માટે રાહ જોતા લોકોનો વીડિયો સામે આવતા હોય છે. જેમાં પૂરતી બસ ન હોવાને કારણે મુસાફરો અટવાઈ જતા હોય છે. ત્યારે આવી ભીડ બતાવતો વીડિયો આમ આદમી પાર્ટીએ ટ્વિટ કર્યો છે, જેમાં ભાજપ પર સીધે સીધા પ્રહાર કર્યા છે. ટ્વિટમાં લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની રાતોરાત વ્યવસ્થા કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી.
પુરતી બસની વ્યવસ્થા ન હોવાને કારણે અટવાયા પ્રવાસીઓ
હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ચૂંટણી જીતવા દરેક રાજકીય પાર્ટી પોતાની રીતે પ્રયાસ કરી રહી છે. પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બસમાં બેસાડી લોકોને જનસભામાં લઈ જવામાં આવતા હોય, તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન સરકારી બસોની અછત સર્જાઈ હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે. પુરતી બસ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુસાફરી નથી કરી શકતા. આ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે.
ભાજપ પર આમ આદમી પાર્ટીએ આવી રીતે કર્યા પ્રહાર
ટ્વિટ કરતા આમ આદમી પાર્ટીએ લખ્યું છે કે ભાજપ તાયફાઓમાં ભીડ ભેગી કરવા હજારો બસોની વ્યવસ્થા રાતોરાત કરતી ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને વતન જવા કોઈ વ્યવસ્થા નથી કરી શકતી. ટેક્સના પૈસા તાયફાઓમાં વેડફતી ભ્રષ્ટ ભાજપ હંમેશા જવાબદારીમાંથી હાથ ખંખેરી દે છે. હવે આ નકામી ભાજપને ઘરભેગી કરવાનો સમય આવી ગયો છે.