ચૂંટણીનો સમય આવતા અનેક એવા મુદ્દાઓ છે જેને લઈ રાજનીતિ શરૂ થઈ જતી હોય છે. ચૂંટણી સમયે અનેક વચનો આપવામાં આવતા હોય છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને લઈ વચન આપવામાં આવ્યું હતું કે 450 રુપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તે વખતે ભાજપની સરકાર પર કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત ગેસ સિલિન્ડરના ભાવને લઈ કોંગ્રેસના દ્વારા ડબલ એન્જીનની સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર જેવા નેતાઓ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાને ક્યારે ઓછા ભાવમાં સિલિન્ડર આપવામાં આવશે.
ગેસ સિલિન્ડરના ભાવને લઈ છેડાયો વિવાદ
રાજસ્થાનમાં જ્યારે એવી જાહેરાત થઈ કે ગેસ સિલિન્ડર 450 રુપિયામાં આવશે ત્યારથી એક મુદ્દો ઉઠ્યો હતો કે ગુજરાતની જનતા સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને કેમ આટલી ઓછી કિંમતમાં ગેસ સિલિન્ડર નથી આપવામાં આવતો? અનેક વખત આ વાતને લઈ સવાલો પૂછવામાં આવ્યા છે. રાજસ્થાન માટે કરવામાં આવેલી જાહેરાત બાદ આ વિવાદ છેડાયો હતો ત્યારે ફરીથી આવો વિવાદ છેડાયો છે. ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવી છે કે નવા વર્ષની ભેટ મોદીજીના ગેરન્ટી થઈ રહી છે સાકાર. આ વાતને લઈ ફરી એક વખત આ મુદ્દો ઉઠ્યો છે.
ગેનીબેન ઠાકોરે લખ્યું કે...
કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ન્યુઝ પેપર કટિંગ સાથે એક ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની કિંમત 450 રુપિયા થઈ ગઈ છે. ગુજરાતની મહિલાઓનું શું? ગુજરાતની જનતાએ 28 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપ સરકારને સમર્થન આપ્યું અને 2022માં ભાજપને ઈતિસાહમાં સૌથી વધુ બેઠકો આપી. તો ગુજરાતની મહિલાને કોઈ રાહત નહી? ગુજરાતની મહિલાઓને કોઈ નવા વર્ષની ભેટ નહીં? તો અમિત ચાવડાએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે.