રાજસ્થાનમાં દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજસ્થાનના પૂર્વ ડે. સીએમ સચિન પાયલટ અનશન પર બેઠા છે. જયપુરના શહીદ સ્મારક ખાતે 11 વાગ્યાથી સચિન પાયલટ મૌન ધરણા ધરીને બેઠા છે. મળતી માહિતી અનુસાર સાંજના ચાર વાગ્યા સુધી ધરણા પર બેસશે.
પોસ્ટરમાં રખાયો માત્ર મહાત્મા ગાંધીનો ફોટો
કોંગ્રેસના નેતાએ પોતાની પાર્ટી વિરૂદ્ધ બાંયો ચઢાવી હોય તેવા સંકેતો તો મળી આવ્યા હતા. પરંતુ રાજનૈતિક હલચલ વધારે ત્યારે વેગવન્તી થઈ જ્યારે ધરણા સ્થળ પર લાગેલા પોસ્ટરોમાં માત્ર મહાત્મા ગાંધીનો જ ફોટો રાખવામાં આવ્યો હતો. પોસ્ટરોમાં રાહુલ ગાંધી-સોનિયા ગાંધીથી લઈ કોઈ પણ કોંગ્રેસના નેતાનો ફોટો રાખવામાં આવ્યો ન હતો.
રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારીએ આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યું
સચિન પાયલટે અનશન પહેલા રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વસુંધરા રાજે જ્યારે સીએમ હતા ત્યારે કૌભાંડો પર પગલાં ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દાને લઈ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જયપુરના શહીદ સ્મારકમાં એક દિવસના અનશન પર સચિન પાયલટ બેઠા છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિહ રંધાવાએ પાયલટના આ પગલાને પાર્ટી વિરોધી ગણાવ્યો છે.
સચિન પાયલટને સમર્થન આપવા લોકો પહોંચ્યા જયપુર!
સચિન પાયલટના આ નિર્ણય બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે. કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. પાર્ટીમાં ચાલતું આંતરીક રાજકારણ ખુલ્લું પડ્યું છે. રંધાવા જયપુરની મુલાકાત લેવાના હતા પરંતુ તેમનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સચિન પાયલોટને સમર્થન આપવા લોકો જયપુર પહોંચી રહ્યા છે.